કોંગ્રેસે ૧૭૧૮ તો ભાજપે ૧૮૩૬ બેઠકો કબ્જે કરી રાજસ્થાન પંચાયત ચૂંટણીઃ ભાજપ સામે કોંગ્રેસ પરાસ્ત
રાજસ્થાનમાં થયેલી પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસનો વ્યૂહ સફળ થયો નથી એવી છાપ પ્રગટ થયેલાં પરિણામો જાેતાં પડતી હતી.
કુલ ૨૧ જિલ્લાની ચાર હજાર ત્રણસો એકોતેર બેઠકોની ચૂંટણી હતી. આ ચૂંટણીએ ઘણી મીથ તોડી હતી. સૌથી મોટી મીથ એ હતી કે રાજ્યમાં જે પક્ષની સરકાર હોય એ સદૈવ જીતે છે. આ વખતે એવું બન્યું નથી. પ્રગટ થયેલાં ૪,૦૫૧ પરિણામોમાં કોંગ્રેસે અત્યાર સુધીમાં માત્ર ૧,૭૧૮ બેઠકો મેળવી હતી જ્યારે ભાજપે ૧,૮૩૫ બેઠકો જીતી લીધી હતી.
સદૈવ બનતું આવ્યું છે એમ રાજસ્થાન કોંગ્રેસના આંતરિક વિખવાદોએ અહીં પણ એની અસર દેખાડી હતી. અશોક ગેહલોત આત્મવિશ્વાસના એવા અતિરેકમાં રહ્યા કે બધી બેઠકો કોંગ્રેસ જીતી જશે. પરંતુ એવું બન્યું નથી. રાજ્ય ચૂંટણી પંચે આપેલી માહિતી મુજબ ૪૨૦ અપક્ષો અને ૫૬ બેઠકો અજિત સિંઘના રાષ્ટ્રીય લોક દળ (રાલોદ-આરએલપી) એ જીતી લીધી હતી.
એજ પરિસ્થિતિ જિલ્લા પરિષદોમાં પણ સર્જાઇ હતી. ભાજપે ૨૬૬, કોંગ્રેસે ૨૦૪ અને રાલોદે પાંચ બેઠકો જીતી લીધી હતી. જિલ્લા પરિષદોના કુલ ૬૩૬ સભ્યોની ચૂંટણી કરવાની હતી.
દરમિયાન, સિકર જિલ્લાના ફતેહપુર સદર પોલીસ સ્ટેશનની હદમાં વિજેતા જૂથે કાઢેલા વિજય સરઘસમાં હરીફ જૂથ સાથે થયેલી અથડામણમાં એક યુવકનું મોત નીપજ્યું હતું અને બીજા કેટલાકને ઇજા થઇ હતી.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના તમામ દિગ્ગજનોના વિસ્તારોમાં કોંગ્રેસ હારી ગઈ છે. હાલના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાના ચૂંટણી મત વિસ્તાર લક્ષ્મણગઢમાં પણ કોંગ્રેસ હારી. પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટના ટોંક, સ્વાસ્થ્યમંત્રી રઘુ શર્માના વિસ્તાર અજમેર, ખેલમંત્રી અશોક ચાંદના વિસ્તાર બુંદી, સહકારિતા મંત્રી ઉદયલાલ આંજનાના વિસ્તાર ચિતૌડગઢમાં કોંગ્રેસ હારી છે.
૨૧ જિલ્લા પ્રમુખો માટેની ચૂંટણીમાં ૧૪ પર ભાજપ અને ૫ પર કોંગ્રેસને જીત મળી છે. જ્યારે એક પર ભારતીય ટ્રાયબલ પાર્ટીએ કબ્જાે જમાવ્યો છે.
Recent Comments