fbpx
રાષ્ટ્રીય

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે સોનિયા ગાંધી-પ્રિયંકા ગાંધીએ કર્યું મતદાન

કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે દેશભરમાં કોંગ્રેસ કાર્યાલયોમાં ૬૮ બૂથો પર મતદાન થઈ રહ્યું છે અને ૯ હજાર કરતા વધુ ડેલિગેટ્‌સ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. મતગણતરી બુધવારે (૧૯ ઓક્ટોબર) થશે. પાર્ટીના લગભગ ૧૩૭ વર્ષના ઈતિહાસમાં છઠ્ઠીવાર આ રીતે અધ્યક્ષ નક્કી કરવા માટે ચૂંટણી મુકાબલો થઈ રહ્યો છે. આ ચૂંટણીમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા અધ્યક્ષ પદ માટે રેસમાં રહ્યા નથી. એટલે કે ગાંધી પરિવાર અધ્યક્ષ પદની ચૂંટણીમાંથી બહાર છે. ૨૪ વર્ષ બાદ એવું પહેલીવાર બનશે કે જ્યારે ગાંધી પરિવાર બહારની કોઈ વ્યક્તિ કોંગ્રેસના અધ્યક્ષ બનશે. મતદાન સવારે ૧૦ વાગ્યાથી લઈને સાંજે ૪ વાગ્યા સુધી ચાલશે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી મેદાનમાં મલ્લિકાર્જૂન ખડગે અને શશિ થરૂર આમને સામને છે. પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દિલ્હી સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં મતદાન કર્યું.

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેના ઉમેદવાર મલ્લિકાર્જૂન ખડગેએ કર્ણાટકના પાટનગર બેંગ્લુરુમાં મતદાન કર્યું. બીજી બાજુ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે. ગહેલોતે એમ પણ કહ્યું કે ૧૯ ઓક્ટોબર બાદ પણ ગાંધી પરિવાર સાથે મારા સંબંધ એવા જ જળવાઈ રહેશે. લગભગ ૧૩૭ વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીમાં છઠ્ઠીવાર થશે જ્યારે ચૂંટણી મુકાબલાથી સાબિત થશે કે પાર્ટીના આ મહત્વના પદ માટે કોણ યોગ્ય ઉમેદવાર છે. કોંગ્રેસ અધ્યક્ષની આ ચૂંટણીમાં ગાંધી પરિવારના કોઈ સભ્ય સંકળાયેલા નથી. એટલે કે પહેલાથી નક્કી છે કે આ વખતે અધ્યક્ષની કમાન ગાંધી પરિવાર બહારના વ્યક્તિને મળવાની છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યુ કે, આ છઠ્ઠીવાર છે જ્યારે કોંગ્રેસના ૧૩૭ વર્ષના ઈતિહાસમાં અધ્યક્ષ પદ માટે આંતરિક રૂપથી ચૂંટણી યોજાઈ રહી છે. જયરામ રમેશે જણાવ્યું કે મીડિયાએ ૧૯૩૯, ૧૯૫૦, ૧૯૯૭ અને વર્ષ ૨૦૦૦ની વાત કરી છે પરંતુ વર્ષ ૧૯૭૭માં પણ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જ્યાં કાસૂ બ્રહ્માનંદ રેડ્ડી ચૂંટાયા હતા. રમેશે આગળ જણાવ્યું કે તેમ છતાં પણ ચૂંટણી થવાનું અલગ મહત્વ છે. તેમણે કહ્યું- પરંતુ હું તેને ઐતિહાસિક ભારત જાેડો યાત્રાના મુકાબલે ઓછી મહત્વની માનુ છું, જે ભારતીય રાજનીતિ માટે કોંગ્રેસની પરિવર્તનકારી પહેલ છે.

Follow Me:

Related Posts