fbpx
ગુજરાત

કોંગ્રેસ ચુંટણી પહેલા ગુજરાત વિધાનસભાની તમામ બેઠકો પર પદયાત્રા કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે કોંગ્રેસે ‘કોંગ્રેસનું કામ બોલે છે’ શિર્ષક હેઠળ ‘બોલો સરકાર’ કેમ્પેઇન લોન્ચ કર્યું છે. આ કેમ્પેઈન અંતર્ગત કોંગ્રેસ કોંગ્રેસની સરકારમાં થયેલા કામની માહિતી લોકો સમક્ષ પહોંચાડી રહી છે. આ ઉપરાંત હવે કોંગ્રેસ પણ ભાજપના રસ્તે જઈ સંગઠન વધુ મજબૂત કરવા તરફ ધ્યાન આપશે. તેને લઈને બુથ મેનેજમેન્ટ માટે પ્રદેશ કોંગ્રેસે વ્યૂહરચના ઘડી છે. ‘મારું બુથ મારું ગૌરવ’ કેમ્પેઇન હેઠળ બુથોને મજબૂત કરવામાં આવશે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં ૫૨ હજાર બુથની વિગતો એકત્રિત કરાશે. તાલુકા પ્રમુખોને ચૂંટણી પ્રચારમાં લાગી જવા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી ટાણે જ કોંગ્રેસની નવી ટેગ લાઈન ચર્ચામાં આવી છે. અત્યારે ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસનું કામ બોલે છે એવા પોસ્ટર લાગી રહ્યા છે.આ અંતર્ગત બોલો સરકાર કેમ્પેઈને પણ કોંગ્રેસ દ્વારા લોન્ચ કરાયું છે. નોંધનીય છે કે આ ચૂંટણીમાં હવે કોંગ્રેસ ભાજપના રસ્તે ચાલી રહી હોય એમ લાગી રહ્યું છે. તેઓ મારુ બુથ મારુ ગૌરવ કેમ્પેઈન સહિતના કાર્યો હાથ ધર્યા છે. નોંધનીય છે કે તાલુકા પ્રમુખો અત્યારે ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. કોંગ્રેસનો મુખ્ય મુદ્દો બેરોજગારી અને મોંઘવારી રહેશે. આ યાત્રા દરમિયાન કોંગ્રેસ સતત સરકાર પર નિશાન સાધતી રહેશે. ગેસ સિલિન્ડરના ભાવથી લઈ અન્ય મુદ્દે હવે કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવી ગઈ છે.

નોંધનીય છે કે આ યાત્રામાં જનતાને જાેડાવવા પણ અપિલ કરાશે. તથા લોકો સ્વેચ્છાએ પોતાના મુદ્દાઓ રજૂ કરી શકશે. કોંગ્રેસે ભાવનગર ખાતે મેનિફેસ્ટો પરિસંવાદનું આયોજન કરાયુ હતુ. આના માટે લોકોના મત પણ લેવાયા હતા કે ક્યા શું પરિવર્તન લાવવું જાેઈએ. વળી પરેશ ધાનાણીએ આ વેળા એવી જાહેરાત કરી દીધી કે કોંગ્રેસ તો ૧૫૦થી વધુ બેઠક પર વિજયી થઈ જશે. આમ કહીને કાર્યકર્તાઓનો જુસ્સો પણ વધારી દીધો છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ઠંડી કોંગ્રેસ હવે ગરમ થઈ રહી છે. ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં તમામ વિધાનસભા બેઠકો પર પદયાત્રા યોજશે.

તે ઉપરાંત દરેક વિધાનસભા વિસ્તારમાં પરિવર્તન સંકલ્પ પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે. આગામી ૧ અને ૨ સપ્ટેમ્બરે અલગ-અલગ વિસ્તારોમાં આ પદયાત્રા યોજાશે. અમદાવાદની ૮ વિધાનસભામાં ૧ સપ્ટેમ્બરે કોંગ્રેસ પદયાત્રા યોજાશે. ૨ સપ્ટેમ્બરે પણ ૮ વિધાનસભામાં પરિવર્તન સંકલ્પ પદયાત્રા યોજાશે.પદયાત્રાના માધ્યમથી કોંગ્રેસે કરેલા કાર્યો લોકો સુધી પહોંચાડાશે.

Follow Me:

Related Posts