ગુજરાત

કોંગ્રેસ છોડી વાંસદામાં જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા ચંદુ જાદવે ભાજપમાં કેસરિયા કર્યા

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ પુર જાેશ માં જામ્યો છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓએ જીત મેળવવા એડી ચોટી નું જાેર લગાવી રહી છે તેવા સમયે કોંગ્રેસ માટે એક માઠા સમાચાર આવ્યા છે, કોંગ્રેસ માં ટિકિટ વહેંચણી સહિત અનેક મુદ્દે કેટલીય જગ્યાએ કાર્યકરોમાં નારાજગી પણ જાેવા મળી રહી છે. કાર્યકરોમાં અસંતોષ વધતા તેઓ પોતાની મૂળ પાર્ટીનો ખેસ છોડી અન્ય પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ આજે વાંસદા ખાતે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા ચંદુ જાદવે કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે ભગવો ખેસ પહેરાવી જિલ્લા પંચાયતના વિરોધપક્ષ નેતા ચંદુ જાદવને આવકાર્યા હતા. ચંદુ જાદવ જિલ્લા પંચાયતની ખાટાઆંબા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચુંટાયા હતા પણ અમુક અગમ્ય કારણોસર તેમણે કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનો ર્નિણય કર્યો હતો. હાલમાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની ત્રણ બેઠક હતી, જેમાં હવે બે જ રહી છે. ભાજપે જિલ્લા પંચાયત બેઠકના વિરોધ પક્ષના સભ્યને પોતાના તરફ કરી મોટો દાંવ ખેલ્યો હોવાની વાત વાંસદા તાલુકામાં ચર્ચાઇ રહી છે.

Related Posts