દેશની આઝાદીનુ મુખ્ય અંગ ગણાતા કોંગ્રેસ પક્ષનુ દેશમાં શું થવા બેઠું છે તેની પાયાના કાર્યકરોમા વિશેષ ચિંતા વ્યાપી ગઈ છે. એક સમયે દેશભરમાં કોંગ્રેસ પક્ષનો ડંકો વાગતો હતો જ્યારે કે તેના નેતાઓ વિશ્વ સ્તરે છવાયેલા રહેતા હતા. પરંતુ ૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા પડ્યા બાદ ઈન્દિરા ગાંધી પ્રેરિત કોંગ્રેસે એ હદે કાઠું કાઢ્યું હતું કે દેશમાતો ઠીક પરંતુ વિશ્વભરમાં છવાઈ ગઈ. તેમા પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકાની ૩૦૦ ઉપરાંત ટેન્કોનું જે રીતે કબ્રસ્તાન બનાવી દીધું તેમજ પાકિસ્તાન લશ્કરને શરણાગતિ સ્વીકારવી પડી તેના કારણે ભારત સમગ્ર વિશ્વમાં છવાઈ ગયું. ભારતના લશ્કરના શૌર્યએ વિશ્વના દેશોને ચકાચૌંધ કરી દીધા. પરંતુ તે સમયમાં કોંગ્રેસ પક્ષમા એક એકથી સમજદાર, અભ્યાસુઓ, લોકશાહીમાં ગળાડૂબ હતા. ઈન્દિરા ગાંધીના મૃત્યુ બાદ રાજીવ ગાંધીને પાયલોટ પદ છોડાવી વડાપ્રધાન પદ સોપવામાં આવ્યુ .રાજીવ સરકારે ૧૮ વર્ષની ઉંમરનાને મતાધિકાર આપ્યો,૩૩ ટકા મહિલા અનામત લાવીને દેશમા એક નવી હવા ઊભી કરી દીધી. દરમિયાન દક્ષિણ ભારતમાં એક જાહેરસભામાં તેઓની બોમ્બ દ્વારા હત્યા થઇ અને પછી કોંગ્રેસમાં ધીરે ધીરે સંગઠન તરફ બેધ્યાન બનતા કોંગ્રેસ નબળી પડવા લાગી. સફળતાપૂર્વક શાસન કરનાર નરસિંમ્હરાવ અને મંદીના દોરમાં ડૉ.મનમોહનસિહે ભારતને આર્થિક રીતે સધ્ધરતા તરફ દોડાવતા વૈશ્વિક મંદીની અસરો ન થવા દીધી.... પરંતુ કોંગ્રેસમાં જે પકડ ઇન્દિરા ગાંધીની હતી તેવી પકડ કોઈ નેતાની રહી નહીં અને કોંગ્રેસમાંથી એક પછી એક નેતાઓ પોત પોતાના ચોકા અલગ કરતા ગયા અને આજે દેશમાં કોંગ્રેસમાંથી છૂટા પડેલા અનેક પક્ષો મેદાનમા છે. જ્યારે કે કોંગ્રેસને ખતમ કરવા ભાજપે કોઈ કસર બાકી રાખી નથી છતાં કોંગ્રેસના મૂળિયા ગ્રામ્ય સ્તર સુધી ઊંડા હોઈ તે ખતમ થઈ શક્યો નથી તે હકીકત સ્વીકારવી રહી.....!
દેશભરમાં આમ પ્રજા મોંઘવારી, બેરોજગારી જેવા પ્રશ્ને બેહાલ છે. ત્યારે પ્રજાહિતના આવા સળગતા પ્રશ્નો લોકસભા સહિત દેશભરમાં ગજાવવાની જરૂર હતી.... પરંતુ કોંગ્રેસ સહિતના વિપક્ષોએ પેગાસસ મુદ્દે ભારે હોહા મચાવી જેની અસર આમ પ્રજામાં જાેઈએ તેવી થઈ નથી....! બીજી તરફ મમતા બેનરજીએ વિપક્ષોને એક જૂટ કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે અને વિપક્ષોએ લોકસભામાં એક જૂઠ થઈ પેગાસસ મુદ્દે હંગામો મચાવ્યો તેના પડઘા પણ પડ્યા. જ્યારે કોંગ્રેસે દિલ્હી ખાતે એક કુચ યોજી પરંતુ તુણમૂલ કોંગ્રેસ અને આપ પક્ષ દૂર રહ્યા... આનો અર્થ શું.....? કોંગ્રેસમાં ત્રણ સાંધે ત્યાં તેર તૂટે છે... પંજાબ કોકડું ઉકેલાયું ત્યા રાજસ્થાનનું કોકડું ઉકેલાતુ નથી.બીજી તરફ રાષ્ટ્રીય સ્તરે રાહુલ ગાંધી પક્ષ પ્રમુખ પદ માટે ર્નિણય લઈ શકતા નથી તેમની આવી અનિર્ણાયકતાએ પક્ષ માટે તકલીફ ઊભી કરી છે તો વિપક્ષ એકતા માટે અડચણ પેદા થવા પામી છે. ગુજરાતમાં છ માસથી પ્રદેશ પ્રમુખ પદ, વિપક્ષ નેતા પદ સહિતના જરૂરી પદો ખાલી પડયા છે તે માટે નિમણૂક કરવાનો ર્નિણય લઈ શકતી નથી. પરિણામે ગુજરાત કોંગ્રેસમાં જેતે નેતાઓ પોતાની મરજી અનુસાર કાર્યક્રમો યોજે છે જેને જનમેદનીની કમી પડે છે.લોકો પણ કોંગ્રેસ ઈચ્છી રહ્યા છે. હવે દેશમાં સમય પાકી ગયો છે કે કોંગ્રેસને બેઠી કરવી હોય તો પ્રજા હિતના મોંઘવારી, બેરોજગારી, કૃષિ કાનુન સહિતના વિવિધ મુદ્દાઓ ઉઠાવી આક્રમક રૂખ અપનાવવુ પડશે. કોગ્રેસને દોડતી કરવી હોય તો રાહુલ ગાંધીએ યા તો જવાબદારી સ્વીકારવી પડશે નહીં તો બીજાને સોપવી પડશે. પછી ભલે પ્રિયંકા પર જવાબદારી નાખવામાં આવે પણ ર્નિણય લેવો અતિ જરૂરી છે. આમ પ્રજા પણ કોંગ્રેસ તરફ મીટ માંડીને બેઠી છે કારણ પ્રજા ચારે તરફથી ભીસમાં આવી ગઈ છે ત્યારે રાહુલની અનિર્ણાયકતા કોંગ્રેસને મોટુ નુકશાન કરી શકે છે. બીજી તરફ જૂના અનુભવી કોંગ્રેસના નેતાઓને મેદાનમાં લાવવા પડશે અને એ આજના સમયની જરૂર છે. તે સાથે પ્રજાકીય પ્રશ્નોને મહત્વ આપી કોંગ્રેસે આક્રમક બનવું પડશે. ગુજરાત માટે કોંગ્રેસમાં ખાલી પડેલ પદો માટે તાકિદે ર્નિણય કરવો જરૂરી છે. કારણ ગુજરાતમાં ભાજપાએ વિધાનસભા ચૂંટણીની તમામ તૈયારીઓ કરી લીધી છે જ્યારે કે કોંગ્રેસમાં હજુ કોઈ ઠેકાણા નથી. ત્યારે કાર્યકરોમાં સવાલ એ ઊભો થયો છે કે કોંગ્રેસ ગુજરાતની ચૂંટણીઓ લડવા માગે છે કે નહી.....?
Recent Comments