કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ માનહાનિ કેસમાં સુરત કોર્ટમાં હાજરી આપી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપવા માટે સુરત આવ્યા હતા. ચૂંટણી સભામાં મોદી સમાજ અંગે કરેલી ટીપ્પણી અંગે રાહુલ સામે ચાલી રહેલા કેસની સુનાવણીમાં હાજરી આપવા કોંગ્રેસ નેતા કોર્ટમાં આવી પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આજે કોર્ટમાં રાહુલ ગાંધીનું નિવેદન લેવામાં આવ્યું હતું. કોર્ટમાં લગભગ એક કલાક હાજરી આપ્યા બાદ તેઓ સીધા એરપોર્ટ જવા રવાના થયા હતા. જ્યારે આ કેસમાં આગામી સુનાવણી ૧૨મી જુલાઈના રોજ હાથ ધરાશે.
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા દરેક ચોરની અટક કેમ મોદી હોય છે ? જેવા વિવાદિત નિવેદન સામે સુરતની કોર્ટમાં દાખલ કરાયેલાં એક કેસની આજે યોજાનારી સુનાવણીમાં રાહુલ ગાંધી હાજર રહ્યાં હતા. સુરતના પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સુરતની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના નિવેદનથી સમગ્ર મોદી સમાજની લાગણી દુભાઈ છે. સુરત પહોંચેલાં કોંગી નેતાઓએ ભાજપ સરકાર પર રાહુલ ગાંધીને હેરાન કરવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ જુદા જુદા નિવેદનો બદલ દેશના અનેક શહેરોમાં કેસ દાખલ કર્યા છે.
આ કેસની ઓક્ટોબર-૨૦૧૯માં કરવામાં આવેલી સુનાવણી દરમિયાન પણ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. આજે રાહુલ ગાંધી સુરત આવવાના હોવાથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસ અગ્રણીઓ મોટી સંખ્યામાં સુરત પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું.
Recent Comments