fbpx
ગુજરાત

કોઈ પૂછતું નહીં એ ‘કમો’ હજારો લે છે, નવરાત્રી આખી ફૂલ, શું કહે છે પરિવારના લોકો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ‘કમો’ નામ ભારે ચર્ચામાં છે. ત્યારે ‘કમા’ની એટલી તો ડિમાન્ડ વધી ગઈ છે કે તે જ્યાં પણ જાય છે તે તમામ કાર્યક્રમો, ડાયરાઓ સફળ જ થાય છે. પહેલાં ગામડામાં લઘરવગર ફરતો ‘કમો’ આજે સૂટ-બૂટમાં મોટી સેલિબ્રિટીની જેમ એન્ટ્રી પાડે છે. લાખો લોકો તેની સાથે એક સેલ્ફી લેવા માટે પડાપડી કરે છે. ત્યારે હાલ નવરાત્રીના તહેવાર દરમિયાન તો ‘કમા’નો ક્રેઝ આસમાને પહોંચી ગયો છે. અને સોશિયલ મીડિયામાં એવા સૂત્રો ફરતા થયાં છે. ‘કમો’ તો ભાઇ ‘કમો’ કહેવાય…મોજ આવે તો બોલે, બાકી નો પણ બોલે…

હાલ ‘કમા’ને તો ગુજરાતમાં મોટા ભાગના લોકો જાણે જ છે અને લોકોને ‘કમા’ વિશે વધુને વધુ માહિતી મેળવવાની પણ ચાહ જોવા મળી રહી છે ત્યારે ‘કમા’ની રસપ્રદ વાતો તેના પરિવારના સભ્યો સાથે આપણે વિગતે જાણીશું. ‘કમા’ના એટલે કે, કમલેશભાઈના પિતા નરોત્તમભાઈનું કહેવું છે કે ‘મારો ‘કમો’ નાનો હતો ત્યારે ડોક્ટરે કહ્યું હતું કે તે ખૂબ ભોળો છે. દુનિયાદારીની તો તેને વધુ સમજ નથી, પરંતુ ભજનમાં તેને ઊંડો રસ છે. તેનો અવાજ સ્પષ્ટ નથી, પરંતુ ગજબનો શોખ છે તેને ભજન ગાવાનો. આમ ”કમો” ડોક્ટરની વાતને સમર્થન આપતા લોકડાયરામાં જવા માટેની તક શોધતો રહેતો હતો.

જે દરમિયાન કીર્તિદાન ગઢવીએ એક વખતે તેને ડાયરાના કાર્યક્રમમાં આગળ બોલાવ્યો હતો, જ્યાં ‘કમા’નો નિર્દોષ ભાવ અને નૃત્ય સાથે ભક્તિમાં તરબોળ થઈ કરાતી ગાંડી-ઘેલી હરકતો લોકોને ગમી ગઈ હતી. આ સાથે જ તેમણે કહ્યું કે તે દિવસે અમે આપેલા 6 હજાર રૂપિયા પણ તેના ખિસ્સામાં હતા, જેમાંથી કેટલાક રૂપિયા તેણે મોજમાં આવીને ઉડાડી દીધા હતા, પરંતુ એ દિવસથી તો લોકો ‘કમા’ પર રૂપિયા ઉડાડવા લાગ્યા છે…’ ‘કમા’ના પિતા વધુમાં જણાવે છે કે, કાર્યક્રમોમાં તેના પર જે રૂપિયા ઊડે છે અને અમને મળે છે એમાંથી 50% રકમ અમે અમારી પાસે રાખીએ છે અને 50% ગૌશાળાના લાભાર્થે આપીએ છે.

‘કમા’ને મળવા હવે એપોઈન્ટમેન્ટ લેવી પડે છે

આમ તો હાલ આખું ગુજરાત ‘કમા’ને તેના હુલામણા નામથી જ ઓળખે છે પણ ‘કમા’નું સાચું નામ કમલેશ નરોત્તમભાઈ નકુમ છે. 26 વર્ષના ‘કમા’ના પિતા નરોત્તમભાઇ ખેડૂત છે. ‘કમા’ના 2 મોટા ભાઇઓ પણ છે, જેમનું નામ સુરેશ અને સંજય છે. તેના બંને ભાઈઓ લાદી ટાઇલ્સનું કામ કરે છે. ‘કમો’ તેના ગામના શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમમાં સેવાનું કામ કરે છે. હાલ ‘કમો’ એવો સેલિબ્રિટી બની ગયો છે કે આજે ‘કમા’ને મળવા એપોઇન્ટમેન્ટ લેવી પડે છે.

ડાયરા વિશે શું કહે છે ‘કમો’

ડાયરા બાબતે ‘કમો’ કહે છે કે, ડાયરામાં તેને ખૂબ જ આનંદ આવે છે. આ સાથે જ ‘કમો’ કહે છે કે ભવિષ્યમાં આ રીતે જ કાર્યક્રમમાં જઈને લોકોને ખુશ કરવાની મને ખુશી મળશે.

‘કમા’ના મોટા ભાઈ સંજય નકુમ જણાવે છે કે, હું કિર્તીદાનભાઈ ગઢવીનો આભારી છું, જેમણે મારા ભાઈને આટલી પ્રસિદ્ધિ અપાવી, નામના અપાવી. આજે તેમને કારણે જ મારો ભાઈ કમલેશ પ્રસિદ્ધ થયો છે.

‘કમા’ની માતાએ કહ્યું કે મારા માટે તે ‘કાનો’ છે

‘કમા’ વિશે તેની માતાએ કહ્યું હતું કે, ‘કાનો’ ખાઈ પીને મોજ કરે છે અને તેની મોજમાં જ રહે છે તેમ ‘કમો’ પણ ‘મારા માટે ‘કાનો’ છે. દૂધ દોહવા સહિતનાં ઘરનાં કામો પણ ‘કમો’ મોજથી કરે છે, તેને ભજિયા બહુ ભાવે છે.

ડાયરામાં ‘કમા’ની ડિમાન્ડ

હવે કીર્તિદાન ઉપરાંત માયાભાઈ આહીર, રાજભા ગઢવી, સાગરદાન ગઢવી, જિજ્ઞેશ કવિરાજ, અલ્પા પટેલ, અપેક્ષા પંડ્યા, નેહા સુથાર, સહિત અનેક કલાકારોનાં કાર્યક્રમોમાં ‘કમા’ની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે. એમાં પણ હવે નવરાત્રીમાં તો ‘કમો’ જાણે સેલિબ્રિટી બની ચૂક્યો છે. તેની પાસે કોઈને મળવાનો પણ ‘સમય’ નથી. જોકે ‘કમો’ આજે સેલિબ્રિટી બની ગયા બાદ પણ પોતાની મોજમાં જ જોવા મળે છે.

Follow Me:

Related Posts