ભારતની આઝાદીના લડવૈયા અને મહાન ક્રાંતિકારી એવાં શ્રી પૃથ્વીસિંહ આઝાદનો જન્મ ઇ.સ. ૧૮૯૨ ની ૧૫ સપ્ટેમ્બરના રોજ થયો હતો. તેમના પિતાનું નામ નામશાદીરામ અને માતાનું નામ નામચમેલી હતું. તેમનું વતન પંજાબના પતિયાલા જિલ્લાના અંબાલાથી સાત માઇલ દૂર લાલડું નામનું ગામ હતું.
લીલીછમ વનરાઇના સૌદર્યથી ભરપૂર એવી જગ્યામાં તેમનું બાળપણ વિત્યું. તેમના પરિવારની સ્થિતિ સાધારણ હતી. પરંતુ બાળપણથી જ તેમનામાં શૌર્ય, સાહસ, ચાપલ્ય અને શરીર સ્વાસ્થ્યના ગુણો કેળવાયેલાં હતાં. કિશોર પૃથ્વીસિંહ રઝળતાં ઘોડાઓ પર છલાંગ મારીને સવારી કરવાની આવડત ધરાવતાં હતાં.
તેમની કિશોરાવસ્થામાં સને-૧૯૦૫ માં બંગભંગની ચળવળમાં લોકમાન્ય તિલક, બિપીનચંન્દ્ર પાલ અને લાલા લજપતરાયના વિચારોનો તેમના પર પ્રભાવ પડ્યો.
આ જોઇને તેમનામાં રાષ્ટભક્તિ પ્રેરિત થઇ. તેઓને લાગ્યું કે, સાધના વગર સિધ્ધિ મળતી નથી. મન અને શરીરને કેળવ્યાં વગર ધૈર્ય અને સહનશક્તિ મળતી નથી. તેથી તેઓ સાધનાની દિશામાં વળ્યાં અને ગામમાં તેઓ તપસ્વી સાધક તરીકે જાણીતાં થયાં.
ભારતની આઝાદીની કોઇક યોજના માટે તેઓએ વિદેશની વાટ પકડી પરંતુ પૈસાની ખેંચ જણાતાં તેઓએ ભારત પરત ફરી સાત લોકોની ક્રાંતિકારી ટોળકી બનાવી. પરંતુ અંગ્રેજોને હાથે ઝડપાતાં તેઓને ૩૫ વર્ષની જેલની સજા થઇ. આંદામાનમાં તેઓએ ૧૩ દિવસ ભૂખ હડતાલ કરી. અનેક દુઃખો સહન કર્યા.
૬ વર્ષ બાદ અંગ્રેજોને ઓર્ડર મળ્યો કે આંદામાનના કેદીઓને ભારત લાવવાના છે. મદ્રાસ બંદરથી કેદીઓને કલકત્તા લઇ જવામાં આવી રહ્યાં હતાં. આ તકનો લાભ ઉઠાવીને સરદાર ચાલું ટ્રેને કૂદીને ભાગી છૂટ્યાં. પરંતુ ફરીથી પોલીસે તેમને પકડીને જેલમાં મોકલી આપવામાં આવ્યાં તો તેઓ જેલની સંડાસની બારી તોડીને ભાગી છૂટ્યાં.
યુવાનોને શાસ્ત્રીય રીતે વ્યાયામની તાલીમ મળે તે માટે વડોદરાવાળાશ્રી માણેકરાવજી અખાડામાં તાલીમ લેતાં શ્રી બહાઉદ્દીનભાઇ શેખને સ્વામીરાવ ભાવનગર લાવ્યાં. તેઓ ભાવનગરમાં સને-૧૯૨૩ થી ૧૯૩૦ સુધી રહ્યાં. તેઓ થોડો સમય ગાંધીજીના આશ્રમમાં પણ રહ્યાં.
તેઓએ દક્ષિણામૂર્તિ શાળામાં થોડો સમય વ્યાયામ શિક્ષક તરીકે પણ નોકરી કરી. તેઓએ ભાવનગરના શ્રી પ્રભાવતીબેન સાથે સને-૧૯૪૩ ની ૧૭ નવેમ્બરે લગ્ન કર્યા હતાં. વર્ષો વિતતાં ગયાં તેમ તેઓ અખીલ ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓના રાષ્ટ્રીય મંડળના પ્રમુખ પણ બન્યાં હતાં. સને-૧૯૮૭ માં ૮૮ વર્ષની વયે તેમનું ભાવનગરના ગણેશ ક્રિડામંડળમાં અભિવાદન પણ કરવામાં આવ્યું હતું.
ભારતના મહાન સપૂત, આઝાદીના પ્રથમ હરોળના લડવૈયા, વ્યાયામના પ્રચારક અને ભારતના યુવાનોમાં શક્તિ, ખુમારી અને રાષ્ટ્રીય ભાવના ભરનારાં શ્રી સ્વામીરાવે તા. ૦૫-૦૩-૧૯૮૯ ના રોજ આ પૃથ્વી પરથી વિદાય લીધી…



















Recent Comments