રાષ્ટ્રીય

કોરોનાએ રફ્તાર પકડીઃ ૨૪ કલાકમાં ૪૦ હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા

દેશમાં ફરી એક વખત કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણના નવા ૪૦,૯૦૬ કેસ નોંધાયા હતા જેમાં મહારાષ્ટ્રમાં ૨૫,૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. ઉપરાંત ૨૩,૬૨૩ દર્દીઓ સાજા થયા હતા જ્યારે ૧૮૮ લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૫૯,૫૮૮ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૧૫,૫૫,૨૮૪ લોકો કોરોનાની લપેટમાં આવી ચુક્યા છે. તે પૈકીના ૧,૧૧,૦૭,૩૩૨ દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે સક્રિય કેસની સંખ્યા ૨,૮૮,૩૯૪ છે.

ઉપરાંત અત્યાર સુધીમાં દેશમાં કુલ ૪,૨૦,૬૩,૩૯૨ લોકોને કોરોના વેક્સિન લગાવાઈ ચુકી છે. ભોપાલ, ઈન્દોર અને જબલપુરમાં હવે દર રવિવારે સમગ્ર લોકડાઉન કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ત્રણેય શહેરોમાં આગામી આદેશ સુધી દર વીકએન્ડે શનિવારે રાત્રે ૧૦થી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી કુલ ૩૨ કલાક લોકડાઉન રહેશે. આ સાથે જ આ ત્રણેય શહેરમાં ૩૧ માર્ચ સુધી શાળાઓ અને કોલેજાે પણ બંધ રહેશે.

દિલ્હીમાં પોઝિટિવિટી રેટમાં વધારો થવો પણ ચિંતાની વાત છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, પોઝિટિવિટી રેટ ૦.૭૬%થી ૦.૯૩% થયો છે. દર્દીઓની કુલ સંખ્યા ૬.૪૬ લાખ રહી છે, તેમની સંખ્યા પણ સતત વધી રહી છે.

પંજાબની તમામ શાળા-કોલેજાે ૩૧ માર્ચ સુધી બંધ રાખવામાં આવી છે. આ સાથે કોલેજની પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે. પંજાબ સરકારની ગાઈડલાઇન્સ અનુસાર, રાજ્યમાં મેડિકલ અને નર્સિંગ કોલેજાે સિવાય તમામ શૈક્ષણિક સંસ્થાઓ ૩૧ માર્ચ સુધી બંધ રહેશે. સિનેમા હોલમાં ૫૦% ક્ષમતાની મંજૂરી આપવામાં આવી છે.
ગાઈડલાઇન્સ અનુસાર, પંજાબના એક મોલમાં એક જ સમયે ૧૦૦થી વધુ લોકો હાજર રહેશે નહીં. કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકો માટે આગામી સપ્તાહથી દર શનિવારે સવારે ૧૧ વાગ્યાથી એક કલાકનું મૌન રાખવામા આવશે. આ સમય દરમિયાન વાહનોની અવરજવરની મંજૂરી આપવામાં આવશે નહીં.

Follow Me:

Related Posts