ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક મળી હતી. જેમાં ગુજરાતમાં કોરોનાથી મોતને ભેટેલા મૃતકોના પરિવારજનોને વળતર અપાવવા માટે કોંગ્રેસે “ન્યાય અભિયાન” શરૂ કરવાનો ર્નિણય કર્યો છે.
ગુજરાત કોંગ્રેસની માંગ છે કે, કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને રૂપિયા ૪ લાખનું વળતર મળે. જીવલેણ કોરોના સામેની જંગ લાંબી હોવાથી પ્રજાને હેલ્થ સિક્યોરિટી પૂરી પાડવાનો કોંગ્રેસનો પ્રયાસ છે. કોરોનામાં પોતાના સ્વજન ગુમાવનારા લોકોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ “ન્યાય અભિયાન” શરૂ કરશે.
ગુજરાત કોંગ્રેસ રાજ્યની ૨૫૦ તાલુકા પંચાયત, ૧૫૬ નગર પાલિકા અને ૮ મહાનગર પાલિકામાં ન્યાય અભિયાન ચલાવશે. આ માટે કોંગ્રેસ કોવિડ વૉરિયર્સની નિમણૂંક કરશે. કોંગ્રેસ ૫૨૦૦થી વધુ તાલુકા પંચાયતની બેઠક, નગર પાલિકાના ૧,૨૫૧ વોર્ડ અને મનપાના ૧૭૬ વોર્ડ મુજબ કોવિડ વૉરિયર્સની નિમણૂંક કરશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ લોકસભા-૨૦૧૯ની ચૂંટણી દરમિયાન મતદારોને રિઝવવા માટે કોંગ્રેસે “અબ હોગા ન્યાય” એવું સુત્ર પ્રચાર માટે અપનાવ્યું હતું. આ માટે “અબ હોગા ન્યાય”નું સુત્ર અપનાવીને ચૂંટણીનો ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. લોકસભા ચૂંટણી સમયના કોંગ્રેસના ન્યાય અભિયાનના (ન્યૂનતમ આય યોજના) વીડિયો માટે લિરિક્સ જાવેદ અખ્તરે લખ્યા હતા. જે બાદ કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તાઓને “અબ હોગા ન્યાય” સુત્રને ટેગલાઈન બનાવવા અને આજ થીમ પર પ્રચાર કરવાનો આદેશ આપ્યો હતો.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, કોરોનામાં ભાજપ સરકારે લોકોને ભગવાન ભરોસે મૂક્યા હતા અને ચૂંટણી નજીક આવતા ભાજપના નેતાઓ ભગવાનના શરણે જાય છે. ભાજપ લોકો માટે નહીં, પરંતુ પોતાના માટે શાસન કરે છે.
કોરોના કાળમાં સરકારની કામગીરી પર સવાલ ઉઠાવતા અમિત ચાવડાએ જણાવ્યું કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા ૧૦૦ વર્ષોમાં આવેલી આફતોમાં સૌથી ખરાબ સમય કોરોના કાળનો રહ્યો છે. જીવલેણ કોરોનાથી જેટલા લોકો માર્યા નથી, તેટલા સરકારના અણઘડ વહિવટથી મર્યા છે.
એક તરફ કોરોનાની ત્રીજી લહેરની આશંકા સેવાઈ રહી છે, તેવામાં તૈયારીઓ કરવાની જગ્યાએ સરકાર ઉત્સવો કરી રહી છે. ગુજરાત સરકાર લાજવાના બદલે ગાજી રહી છે.
Recent Comments