ચીન ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ, અને અમેરિકામાં કોરોના વાયરસના નવા વેરિએન્ટે ભારતની ચિંતા વધારી છે અને તેને લઈને સરકાર અલર્ટ મોડ પર આવી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ભારતમાં કોવિડ-૧૯ના નવા વેરિએન્ટનું સંક્રમણ વધતું રોકવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને જીનોમ સિક્વેન્સિંગ વધારવાના આદેશ આપ્યા છે. આ સાથે જ આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા એક સમીક્ષા બેઠક કરશે અને કોરોના સંક્રમણ પર ચર્ચા કરશે. ચીનમાં ઓમિક્રોનનો સબવેરિએન્ટ બીએફ.૭ કહેર વર્તાવી રહ્યો છે અને ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે ચીનની રાજધાની બેઈજિંગમાં ૭૦ ટકા લોકો આ વેરિએન્ટની ઝપેટમાં આવી ચૂક્યા છે અને ધીરે ધીરે મોતનો આંકડો પણ વધી રહ્યો છે.
સ્થિતિ એટલી ખરાબ છે કે લોકોને અંતિમ સંસ્કાર માટે પણ લાંબી વાટ જાેવી પડે છે. ત્યારબાદ ભારત સહિત અનેક દેશો અલર્ટ મોડમાં આવી ગયા છે અને ડર સતાવી રહ્યો છે કે ચીન બાદ કોરોના વાયરસ એકવાર ફરીથી સમગ્ર દુનિયામાં કહેર મચાવી શકે છે. કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટ અને તેના અનેક સબ વેરિએન્ટે દુનિયાભરમાં કહેર મચાવેલો છે અને હવે ઓમિક્રોનનો નવો સબવેરિએન્ટ બીએફ.૭(મ્હ્લ.૭) ચીનમાં લોકોને ઝડપથી ઝપેટમાં લઈ રહ્યો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે બીએફ.૭નો સંક્રમણ દર ઓમિક્રોનના અન્ય વેરિએન્ટ્સ કરતા ઘણો વધુ છે. બીએફ.૭થી સંક્રમિત થયા બાદ લક્ષણો દેખાવવાનો સમય એટલે કે ઈનક્યુબેશન પીરિયડ ઓછો છે. તે રસી લઈ ચૂકેલા લોકોને પણ સરળતાથી સંક્રમિત કરી શકે છે. આ ઉપરાંત જૂના વેરિએન્ટથી સંક્રમણ બાદ પેદા થયેલી ઈમ્યુનિટીને પણ સરળતાથી તોડી શકે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે બીએફ.૭ થી સંક્રમિત એક દર્દી ૧૦થી ૧૮ લોકોને સંક્રમિત કરી શકે છે. કોવિડ-૧૯નો આ નવો વેરિએન્ટ બીએફ.૭ ભારત માટે કેટલો જાેખમી છે તે અંગે એક્સપર્ટ્સનું કહેવું છે કે જાેખમ વધુ નથી, પરંતુ આમ છતાં અલર્ટ રહેવાની જરૂર છે.
એન્ટી ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્ય અને કોવિડ રસીકરણ અભિયાનના પ્રમુખ ડો. એન કે અરોડાએ જણાવ્યું કે ચીનની સ્થિતિથી ભારતે ચિંતિત થવાની જરૂર નથી. કારણ કે અહીં સ્થિતિ એવી ઊભી નહીં થાય. જાે કે આ સાથે તેમણે કહ્યું કે અલર્ટ રહેવાની જરૂર છે. ભારતમાં મોટા પાયે રસીકરણ થઈ ચૂક્યું છે અને તેને કારણે મોટાભાગના લોકોની અંદર સંક્રમણ સામે લડવા માટે ઈમ્યુનિટી છે. ઓમિક્રોનનો આ સબ વેરિએન્ટ બીએફ.૭ ભલે ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે પરંતુ તે વધુ ખતરનાક નથી અને તેના લક્ષણો પણ ઓમિક્રોનના જૂના વેરિએન્ટ જેવા જ છે. આ વેરિએન્ટથી સંક્રમિત થયા બાદ દર્દીના ગળામાં ગંભીર સંક્રમણ, શરીરમા દુઃખાવો, સામાન્ય કે વધુ તાવ જેવા લક્ષણો સામે આવી રહ્યા છે. બદલાતી ઋતુના કારણે અનેક લોકો શરદી-ઉધરસની ઝપેટમાં આવી રહ્યા છે પરંતુ જાે તમને ૩ દિવસથી વધુ તાવ હોય અને બીએફ.૭ના લક્ષણો જાેવા મળતા હોય તો તરત કોરોના ટેસ્ટ કરાવવો જાેઈએ. આ ઉપરાંત જે લોકો પહેલેથી જ કોઈ બીમારીથી પીડિત હોય તો તેમણે ખાસ ખ્યાલ રાખવો જાેઈએ. આ ઉપરાંત બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓએ પણ સાવધાન રહેવું જાેઈએ.
Recent Comments