અમરેલી

કોરોનાની વિષમ પરિસ્થિતિમાં સેવા જ પરમ ધર્મ છે : સુરભીબેન કોરોનાને મ્હાત આપી દસમા દિવસે ફરી સેવામાં જોડાયા કોરોના વૉરિયર

અમરેલી રાધિકા હોસ્પિટલ ખાતે લેબ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા ૨૩ વર્ષીય સુરભીબેન પાથરનો કેટલાક દિવસો પૂર્વે કોવીડ-૧૯નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ માત્ર ૧૦ જ દિવસમાં સારવાર લઇ કોરોનાને હરાવી સુરભીબેન ફરી સેવામાં જોડાયા હતા.

આ અંગે વધુ વાત કરતા સુરભીબેન કહે છે કે કોરોનાની આ વિષમ પરિસ્થિતિમાં એક આરોગ્યકર્મી તરીકે સેવા જ પરમ ધર્મ છે. દર્દીઓની સેવા કરવી અને તેના માટે સતત કાર્યરત રહેવું એ મારી ફરજ છે. કોરોનાના દર્દીઓના વિવિધ પરીક્ષણની કામગીરી કરતા છેલ્લા અઠવાડિયામાં મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલો. દસ દિવસ સુધી સારવાર લઈને ફરી મારી ફરજ પર ફરી જોડાઈ છું. મને કોરોના થયો છે તેની જાણ થતા માતા-પિતાએ મને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે કોરોના દર્દીઓની સેવા કરવાની તારી ફરજ છે માટે ઝડપથી સ્વસ્થ થઇને તું સેવામાં ફરી જોડાઇ જા. આમ મને ઝડપથી રિકવરી થતા ખૂબ જ ઓછા સમયમાં સ્વસ્થ થઇને કોરોના દર્દીઓની સેવામાં ફરી જોડાઈ છું.

સુરભીબેને ઉમેર્યું હતું કે કોરોનાના કપરા સમયમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોના વોરિયર તરીકે સેવા આપતા ડૉક્ટર, નર્સ તેમજ અન્ય સ્ટાફ પોતાના જીવની સહેજ પણ ચિંતા કર્યા વિના સતત કોરોનાના દર્દીઓની સેવા કરે છે જે સમાજના દરેક વ્યકિત માટે પ્રેરણાદાયી કાર્ય છે. દરેક આરોગ્યકર્મી પીપીઇ કિટ પહેરીને કોરોના દર્દીઓની સારવાર કરતા પોતે કોરોના પોઝિટિવ થતા હોય છે ત્યારે કોરોનાની આવી ગંભીર પરિસ્થિતિમાં પણ મારા જેવા ઘણા આરોગ્ય કર્મીઓ સંક્રમિત થતા હોય છે.

Related Posts