કોરોનાની સંભવતઃ ત્રીજી લહેરને ધ્યાને લઈ વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ
તંત્ર દ્વારા વધુ ૨૦ ડ્યુરા ઓક્સિજન ટેન્ક તેમજ ૪૪૫ સિલિન્ડરોની વ્યવસ્થા કરાઈ : એક ટેન્કમાં ૨૦૮ લીટરની ક્ષમતા
અગાઉની ૧૦ ટેન્ક મળી જિલ્લામાં કુલ ૩૦ ટેન્કમાં ૬૨૪૦ લીટર સ્ટોરેજ કરી શકાશે : સામાન્ય રીતે એક ટેન્કમાં ૨૫ સિલિન્ડરો જેટલો ઓક્સિજન હોય છે
ટેન્ક અને સિલિન્ડરો જરૂરિયાત મુજબ જે તે હોસ્પિટલને મોકલાશે
અમરેલી જિલ્લામાં કોરોનાની સંભવત: ત્રીજી લહેરને લક્ષમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થયું છે.
જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં ૨૦૮ લિટરની ક્ષમતા ધરાવતી એક ટેન્ક એવી વધુ ૨૦ લિક્વિડ મેડિકલ ઓક્સિજન સ્ટોરેજ ડ્યુરા ટેન્ક અને ૪૪૫ સિલિન્ડરોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અગાઉ ૧૦ ટેન્ક મળી જિલ્લામાં કુલ ૩૦ ટેન્ક ઉપલબ્ધ જેમાં ૬૨૪૦ લીટર ઓક્સિજન સમાય છે. જે જરૂરિયાત મુજબ જે તે તાલુકા કે હોસ્પિટલને મોકલી ખુબ જ ટુંકસમયમાં કાર્યરત કરવામાં આવનાર છે.
વધુમાં કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું કે આવનારા દિવસોમાં અમરેલી જિલ્લો ઓક્સિજનની બાબતમાં આત્મનિર્ભર બને તે માટે જિલ્લામાં વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓના સીએસઆર પ્રોજેક્ટ હેઠળ વધુ સિલિન્ડર ખરીદવાની પ્રક્રિયા પણ હાલ પુરજોશમાં શરૂ છે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે સામાન્ય રીતે એક ટેન્કમાં ૨૫ સિલિન્ડરોમાં સમાય તેટલો ઓક્સિજન સ્ટોર કરી શકાય છે. તાલુકા મથકોએ આ ટેન્ક અને સિલિન્ડરોની વ્યવસ્થા કરવામાં આવતા જે દર્દીઓને મોટા સેન્ટરોએ ખસેડવામાં આવતા હતા તે હવે ખસેડવાની જરૂર રહેશે નહી અને જે તે વિસ્તારના દર્દીઓની સારવાર જે તે તાલુકાકક્ષાએ જ થઇ જશે.
Recent Comments