fbpx
અમરેલી

કોરોનાની સ્થિતિને અનુલક્ષીને વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજતા પ્રભારીમંત્રી સંભવિત ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરવા વહીવટી તંત્ર સંપૂર્ણરીતે સજ્જ

ગુજરાત રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી આર. સી. મકવાણાએ આજે કોરોનાની હાલની પરિસ્થિતિને અનુલક્ષીને અમરેલી જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી.

પ્રભારી મંત્રી શ્રી મકવાણાએ તંત્રના અધિકારીઓને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કોરોનાની હાલની પરિસ્થિતિ અંગે અત્યંત ચિંતિત છે. કોરોનાના દર્દીઓને સુદ્રઢ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. મેડિકલ સંસાધનોની વ્યવસ્થાઓ અને વહીવટી તંત્રના આયોજનને જોતા એવું લાગે છે કે અમરેલી જિલ્લો કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરવા માટે સંપૂર્ણરીતે સજ્જ છે. જો કે જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા કેસોની સંખ્યામાં વધારો થયો છે અને જિલ્લા પ્રશાસને કોરોના સંક્રમણને અટકાવવા ત્વરિત અને અસરકારક પગલાં લીધા છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે પ્રજા અને પ્રશાસનના સહિયારા પ્રયાસો થકી જ મહામારીને હરાવી શકીશું. તંત્રના અધિકારીઓની સાથે સાથે લોકો પણ જો પોતાની અંગત જવાબદારી સમજી માસ્ક, વેક્સિનેશન, સામાજિક અંતર અને સેનિટાઇઝેશનનું ધ્યાન રાખે તો આ મહામારીને હરાવી શકીશું.

કોરોનાગ્રસ્તોને અસરકારક આરોગ્ય સુવિધાઓ મળી રહે અને કોરોનાના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ દર્દીઓને સારવાર મળી રહે તે માટે ઉચિત વ્યવસ્થા કરવામાં કોઈ ક્ષતિ ન સર્જાય તેવી દિશામાં કાર્ય કરવા મંત્રીશ્રીએ તમામ અમલીકરણ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.

બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં ઉભા કરવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટ, કુલ બેડ, સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો, ધન્વંતરિ રથ, ટેલીમેડિસિનની વ્યવસ્થા, વેક્સિનેશન, કોન્ટેક્ટ ટ્રેસીંગની કામગીરીની આંકડાકીય માહિતી આપી વિસ્તારમાં ચર્ચા કરી હતી.

ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કોરોના સામે લડવા ટેસ્ટીગ, ટ્રેસીગ અને ટ્રીટમેન્ટનો ત્રિસ્તરીય વ્યૂહ અપનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લામાં સંજીવની અને ધન્વંતરી રથોના માધ્યમથી ઘર સારવાર લેતા દર્દીઓને દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં આયુષ દ્વારા આર્યુવેદિક દવાઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોના ટેસ્ટીગ માટે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે પ્રતિબંધક હુકમો કરવામાં આવ્યા છે. કોરોનાની ત્રીજી લહેરથી બચવા રસી રામબાણ ઈલાજ છે ત્યારે જિલ્લામાં મહત્તમ નાગરિકો રસી મુકાવે તે જરૂરી છે. જિલ્લામાં આરોગ્ય કર્મીઓ, અગ્રીમ હરોળના કોરોના વોરિયર, ૪૫ + તેમજ ૬૦ વર્ષથી વય ધરાવતા નાગરિકોનું રસીકરણ ઝુંબેશ તરીકે હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાં કોરોનાના દર્દીઓને જરૂરી ઓક્સિજન, દવાનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે.

બેઠકમાં સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ તેમજ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને ચીફ ઓફિસરશ્રીઓ જોડાયા હતા.

Follow Me:

Related Posts