કોરોનાને હરાવવાં માટે વેક્સીન એ જ અમોઘ શસ્ત્ર છે
– શિક્ષણ રાજ્ય મંત્રી સુશ્રી વિભાવરીબેન દવે
તેમણે ઉમેર્યું કે, કોરોનાનો સામનો કરવાં માટે મોટા પાયા પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. ડોક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ વગેરે જેવાં કોરોના વોરિયર્સ રાત- દિવસ જોયા વગર લોકોની સેવામાં લાગેલાં છે. અનેક ફ્રન્ટલાઇન વર્કર્સને કોરોના થયો છે છતાં તેઓ ફરીથી તેઓની ડ્યુટીમાં જોડાઇને કોરોનાને હરાવવાં કટિબધ્ધ રીતે કાર્ય કરી રહ્યાં છે.
જે રીતે છેલ્લાં એકાદ વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાયેલી છે. આ મહામારીનો તોડ શોધવાં માટે જગતાભરના વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યાં છે તે જોતાં કોરોનાને નાથવાની અક્સીર દવા દૂનિયા શોધી લેશે. ભારતમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયત્નોથી દેશમાં કોરોનાની બે દેશી વેક્સીન શોધાઇ ગઇ છે. તે કોરોનામાં અસરકારક સાબિત થયેલી છે.
ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જે રીતે દેશભરમાં રસીકરણને વેગ આપવાં માટે “ટીકાકરણ ”અભિયાન દ્વારા દેશમાં મહત્તમ રસીકરણ થાય તેમ માટે તેઓ જે રીતે પ્રયત્ન કરી રહ્યાં છે. તેમાં આપણે રસીકરણ અભિયાન દ્વારા સાથ અને સહકાર આપવો રહ્યો.
શિક્ષણ રાજ્ય મંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું છે કે, દુનિયાભરમાં કોરોનાએ જે રીતે હાહાકાર મચાવ્યો છે અને તેનાથી જે રીતે માનવ ખુવારી થઇ રહી છે. તે જોઇને મારું હ્યદય દ્રવી ઉઠે છે. કુદરત જ્યારે આપણી સહનશક્તિના પારખા લઇ રહી હોય તે રીતે કોરોનાનો કહેર દીનબદીન વધી રહ્યો છે તેવાં સમયે કોરોનાને હરાવવાં માટે આપણી પાસે જો કોઇ હથિયાર હોય તો તે કોરોનાનું વેક્સીનેશન છે. આ વેક્સીનેશનથી જ આપણે કોરોનાને હરાવવાં માટેની રોગપ્રતિકારક શક્તિ હાંસલ કરી શકીશું.
દેશમાં અને ગુજરાતમાં કોરોનાના કેસ જે રીતે વધી રહ્યાં છે અને તેના સંક્રમણનો વ્યાપ જે રીતે વધી રહ્યો છે તેને અંકુશમાં લાવવાનો અત્યારે એકમાત્ર ઉપાય કોરોનાનું રસીકરણ છે.
ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં આ રસી આવતીકાલથી ૧૮ થી ૪૪ વર્ષની વયજૂથના લોકોને નિઃશૂલ્ક આપવામાં આવનાર છે ત્યારે હું ગુજરાત અને ખાસ કરીને ભાવનગરની જનતાને અપીલ કરું છું કે, તમે પણ આ વેક્સીનનો ડોઝ વહેલી તકે લઇ દેશ પર આવી પડેલી આ કુદરતી વિપદાનો સામનો કરવાં માટે આપનો સહકાર આપો તે સમયની માંગ અને જરૂરીયાત છે.
તા.૨૮ એપ્રિલથી ૧૮ થી ૪૪ વર્ષની વયજૂથના લોકોનું યુવા ગ્રુપ છે એમનાં માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આરોગ્ય સેતુ એપ અને કોવિન એપ્લિકેશનમાં આ માટેનું રજિસ્ટ્રેશન કરાવી શકાય છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
ભારત દેશ વિશ્વમાં સૌથી વધુ યુવાઓ ધરાવતો દેશ છે. વિશ્વભરમાં ભારતીય યુવાઓ પોતાના સામર્થ્યના બળે પોતાના પરચમ લહેરાવી ચૂક્યાં છે ત્યારે આવતીકાલથી શરૂ થનાર વેક્સીનેશનમાં યુવા મોટાપાયા પર ભાગ લઇ પોતાની જાત સાથે સમાજને પણ સુરક્ષિત કરવાનું દાયિત્વ નિભાવશે તેઓ મને વિશ્વાસ છે.
તેમણે ભાવનગરવાસીઓને અપીલ કરતાં જણાવ્યું છે કે, કોરોનાના સંક્રમણમાંથી બચવાં માટેનો એકમાત્ર રામબાણ ઉપાય વેક્સીન છે. ત્યારે આપણે સૌ વેક્સિન લઈએ અને ભારત દેશને, ગુજરાતને અને સમગ્ર ભાવનગરને પણ કોરોનામુક્ત બનાવીએ.
ભાવનગર શહેરનાં યુવાનોને ગુજરાત સ્થાપના દિન નિમિત્તે આ યજ્ઞકાર્યમાં જોડાવા અપીલ કરી હતી. શહેરનાં યુવાનોને વિવિધ ૧૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આખલોલ જકાતનાકા, કુંભારવાડા, ભીલવાડા, વોશીંગઘાટ, આનંદનગર, શીવાજી સર્કલ (તરસમીયા), સુભાષનગર, વડવા-અ, કાળીયાબીડ અને ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યુવાઓને રસીકરણ કરવામાં આવશે.
Recent Comments