કોરોનામાં કફ્ર્યું વચ્ચે રાજકોટમાં રાતના લગ્ન, પોલીસે ૧૩૦ સામે કરી કાર્યવાહી
કોરોના સંક્રમણને અટકાવવા માટે રાત્રિ કફ્ર્યૂ રાજ્યના મુખ્ય ચાર શહેરોમાં લાદવામાં આવ્યો છે. દિવાળી પછી કોરોના વાયરસના કેસમાં ઉછાળો નોંધાયા પછી તેને કાબૂમાં લેવા માટેના પ્રયાસો નવેમ્બરના મધ્યથી શરુ કરાયા હતા. આવામાં કફ્ર્યૂ દરમિયાન લગ્નના આયોજન પર પણ પાંબંદી લગાવી દેવામાં આવી છે. આમ છતાં લગ્ન પ્રસંગોમાં નિયમોનો ભંગ થઈ રહ્યો છે. રાજકોટમાં રાત્રિ કફ્ર્યૂ દરમિયાન એક પરિવારને લગ્નનું આયોજન કરવું મોંઘું પડી ગયું છે. આ દરમિયાન લગ્નનું આયોજન કરનાર ઘરના વડિલ સહિત ૧૩૦ જેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સ્થાનિક મીડિયા રિપોટ્ર્સ અનુસાર શહેરના સાધુવાણી રોડ પર આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં રાત્રિ કફ્ર્યૂ વખતે દીકરાના લગ્નનું આયોજન કરવા બદલ ગેલાભાઈ કિલ્હા સામે ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાં સોમવારે રાત્રિ કફ્ર્યૂનો ભંગ કરનારા ૧૩૦થી વધુ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે આ સાથે ઘણાંના વાહન પણ ડિટેઈન કરાયા છે. કોરોના વાયરસના કેસ વકરવાના કારણે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં કફ્ર્યૂ લાદવામાં આવ્યો હતો આ પછી સુરત, રાજકોટ અને વડોદરામાં પણ રાત્રી કફ્ર્યૂ લાગુ કરવામાં આવ્યો હતો.
આ સાથે લગ્નમાં ૨૦૦ના બદલે ૧૦૦ લોકોને જ આમંત્રણ આપવામાં આવે તેવી ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે ચાર મુખ્ય શહેરોમાં રાત્રિ કફ્ર્યૂ દરમિયાન ઉલ્લંઘન ના થાય તેના પર પોલીસ તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવે છે. આ સાથે રાત્રે ભીડ રહેતી હોય તેવા વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. રાત્રિ કફ્ર્યૂ દરમિયાન ઈમર્જન્સી સેવા અને જરુરી કામ હોય તેના સિવાય બહાર નીકળવાની મનાઈ છે.
Recent Comments