કોરોના ઈફેક્ટઃ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની અવરજવરમાં ઘટાડો
સમગ્ર દેશમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે, ત્યારે ફ્લાઈટમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા હજુ પણ વધી નથી. અમદાવાદના એરપોર્ટ પર ગત ડિસેમ્બર દરમિયાન ૪.૫૩ લાખ ડોમેસ્ટિક મુસાફરોની અવરજવર નોંધાઈ હતી, જેમાં ૨૦૧૯ના ડિસેમ્બર કરતાં ૪૬.૩૦નો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, છેલ્લા ત્રણ મહિનામાં વિદેશથી આવતા-જતા ૫૮ હજાર કરતાં વધુ મુસાફરોની અમદાવાદ એરપોર્ટ પર અવરજવર નોંધાઈ છે. અમદાવાદ એરપોર્ટમાં ડિસેમ્બર-૨૦૧૯માં ૮ લાખ ૪૪ હજાર ૩૧૪ મુસાફરો, જ્યારે ૬ હજાર ૪૮૭ ફ્લાઈટની અવરજવર નોંધાઈ હતી.
ગત વર્ષે પ્રત્યેક ફ્લાઇટમાં સરેરાશ ૧૩૦ મુસાફરોનું આવાગમન હતું, જેની સરખામણીએ ડિસેમ્બર ૨૦૨૦માં ૪૯૪૫ ફ્લાઇટની અને ૪ લાખ ૫૩ હજાર ૭૬૨ ફ્લાઈટની અવરજવર થઈ હતી. ગત મહિને પ્રત્યેક ફ્લાઇટમાં સરેરાશ ૯૨ મુસાફરો હતા. કોરોનાને પગલે માર્ચ-૨૦૨૦ના ત્રીજા સપ્તાહથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બંધ છે.
જાણકારોના મતે, કોરોનાના કેસમાં ઘટાડો થતાં હવે સ્થિતિ પૂર્વવત્ થઇ રહી છે. જાન્યુઆરી માસથી એરટ્રાફિકમાં પણ વધારો થઇ રહ્યો છે, જેને પગલે કેટલીક એરલાઇન્સ દ્વારા આવતા મહિને અમદાવાદથી નવી ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવશે, જેમાં શિરડી-ઔરંગાબાદ-નાગપુર-ભોપાલ જેવા રૂટનો સમાવેશ થાય છે.
Recent Comments