fbpx
ગુજરાત

કોરોના કેસોમા આંકડાની રમતઃ એક જ જિલ્લામાં ૬૦ કેસ છતા ૪૦ કઈ રીતે નોંધાયા.!

જિલ્લામાં કોરોનાનો કેર વકરી રહ્યો છે. રોજ દર્દીઓ વધી રહ્યા છે પરંતુ સરકારી ચોપડે આંકડા છુપાવાની રમત રહીશો જાણી ચૂક્યા છે પરંતુ તેની પાછળનું કારણ જાણવા માગે છે. જિલ્લામાં ગુરુવારે કુલ ૪૦ કેસ નોંધાયા છે પરંતુ ચોટીલા તાલુકામાં જ ૪૦ દર્દી જ્યારે લીંબડી તાલુકામાં ૨૦ દર્દી નોંધાયા છે. આમ, આ ૨ તાલુકાના થઈને જ ૬૦ કેસ થાય છે, તો જિલ્લામાં કુલ કેસ ૪૦ કઈ રીતે થાય? એનો જવાબ લોકોને મળતો નથી! અગાઉ જિલ્લા આરોગ્ય અધિકારીએ કહ્યું હતું કે માહિતીમાં એકસૂત્રતા જળવાય અને સારવાર સહિતનાં અન્ય કામો પણ કરવાનાં હોવાથી જિલ્લા કલેક્ટર કોરોનાની માહિતી આપતા હોય છે.

આ સ્થિતિમાં એકસૂત્રતા તો નથી જ જળવાતી. ઝાલાવાડના રહીશોમાં ચર્ચા છે કે આંકડા છુપાવવાથી કોરોનાનો કેર થોડો દૂર થઈ જશે! તંત્ર સાચી માહિતી આપશે તો લોકોમાં વધુ જાગૃતિ આવશે. ગુરુવારે કુલ ૨૦૦૦ લોકોના ટેસ્ટ કરાયા હતા, તેમાંથી ૪૦ લોકો પૉઝિટિવ આવ્યા હોવાનું તંત્રનું કહેવું છે. પૉઝિટિવ દર્દીમાંથી ૮૦ ટકા દર્દી હોમ ક્વૉરન્ટાઈ થકી સાજા થઈ શકે એમ છે. બીજી બાજુ અત્યાર સુધીમાં ૧.૨૭ લાખ લોકોને રસીનો પહેલો ડોઝ અપાયો છે. હજુ ૨૧ હજારથી વધુ ડોઝ તંત્ર પાસે છે.

જિલ્લામાં હાલ કોરોનાના દર્દીની સારવારની સાથે વધુને વધુ લોકોને રસી આપવા માટે પણ અભિયાન ચાલી રહયુ છે, જેમાં ગેરસમજને કારણે શહેરોમાં પણ ઘણા લોકો રસી લેતા નથી તે વાસ્તવિકતા છે. પરંતુ ગામડામાં રસી લેવામાં લોકોનો ખુબ જ નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. જે ગામમાં ૧૫૦ને રસી આપવાનો ટારગેટ હોય ત્યાં ૩૦થી ૪૦ લોકો જ રસી લે છે.

કોરોનાના કપરા સમયમાં ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓની વિશેષ જવાબદારી બની જાય છે. એક તો પહેલા પોતાને કોરોનાથી બચાવવાનો છે અને લોકોને સાજા કરવાની સાથે રસી આપવાની પણ કામગીરી કરતા સમયે વધુને વધુ લોકોના સંપર્કમાં આવવુ પડે છે. અને આથી જ વર્તમાન સમયે જિલ્લાના ૧૦થી વધુ કર્મચારી પોઝિટીવ આવ્યા હોવાનુ જાણવા મળી રહ્યું છે.

ધ્રાંગધ્રા પથકમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે.ત્યારે કોરોનાને લીધે શહેરના તળાવશેરીમાં એક, હળવદ દરવાજાે વિસ્તારમાં એક, વાણીયાશેરીમાં એક અને બે ગ્રામ્ય વિસ્તારમાં વિસ્તારમાં મોતના બનાવ બન્યા હતા. જેમાં બે મહિલા અને ત્રણ પુરૂષના એમ પાંચના બે દિવસમા મોત થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના અંગેની કોઈ માહિતી નહી આપી ચુપકીદી સેવી લીધી છે. તો બીજી બાજુ સાયલા તાલુકામાં શિક્ષક અને ચોટીલા તાલુકામાં કોંગ્રેસના અગ્રણીના પીતાનું પણ કોરોનાને કારણે અવસાન થયાના સમાચાર મળી રહયા છે. જયારે સરકારી ચોપડે ૧ વ્યકિતનું મોત થયુ છે.

Follow Me:

Related Posts