રાષ્ટ્રીય

કોરોના ફરી ઉછળ્યો : કેરળ બાદ મહારાષ્ટ્રમાં કેસોમાં વધારો

સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે પાછલા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૭,૫૯૩ કેસ નોંધાયા હતા અને ૬૪૮ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત ૩૪,૧૬૯ દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે ગયા હતા. બુધવારે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૩,૨૨,૩૨૭ હતી. પાછલા ૨૪ કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકીના ૩૬ હજાર કરતા વધારે કેસ માત્ર કેરળ અને મહારાષ્ટ્રમાં નોંધાયા છે. ૨૪ કલાકમાં કુલ ૬૦૭ લોકોના મોત થયા છે જેમાંથી મહારાષ્ટ્રમાં ૨૧૬ અને કેરળમાં ૨૧૫ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતમાં કોરોનાનો રિકવરી રેટ ૯૭.૬૩ ટકા છે. કેરળમાં ગુરૂવારે પાછલા ૨૪ કલાકમાં કોરોનાના ૩૧,૪૪૫ નવા કેસ નોંધાયા હતા. તે સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૩૮,૮૩,૪૨૯ થઈ ગઈ. ઉપરાંત વધુ ૨૧૫ દર્દીઓના મૃત્યુ સાથે કુલ મૃતકોની સંખ્યા ૧૯,૯૭૨ પર પહોંચી ગઈ. કોરોનાની બીજી લહેર પીક પર પહોંચ્યાના ૩ મહિના બાદ પણ સ્થિતિ સામાન્ય નથી બની. એક તરફ કેરળમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની ગયું છે ત્યારે બીજી બાજુ તેની અસર રાષ્ટ્રીય સ્તરે પણ જાેવા મળી રહી છે. સ્થિતિ એ છે કે, છેલ્લા ૨ દિવસમાં કોરોનાના નવા કેસમાં ૨૦ હજાર કરતા પણ વધારેનો ઉછાળો જાેવા મળ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ગુરૂવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૬,૧૬૪ નવા કેસ નોંધાયા છે અને ૬૦૭ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે સિવાય ૩૪,૧૫૯ દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે ગયા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૩,૩૩,૭૨૫ છે. જ્યારે દેશમાં મૃતકોની સંખ્યાની વાત કરીએ તો તે ૪,૩૬,૩૬૫ થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા ૩,૧૭,૮૮,૪૪૦ થઈ છે.

Related Posts