કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસએ માથું ઊંચક્યું, વધુ બે દર્દીઓના મોત
કોરોના વાઇરસની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. કોરોના વાઇરસના અલગ અલગ વેરિઅન્ટના ફેલાવા વચ્ચે હવે કોવિડથી સાજા થતા દર્દીઓમાં મ્યુકોરમાઈકોસીસ એટલે કે ફંગસના કેસોએ ચિંતા વધારી છે.
કોરોના સંક્રમણની સારવાર લઈ સાજા થતા દર્દીઓમાં હવે મ્યુકોરમાઈકોસિસનું જાેખમ વધી રહ્યું છે. ડાયાબિટીસ હોય તેવા દર્દીઓને મ્યુકોરમાઈકોસિસનો ખતરો વધારે રહે છે. નાક, આંખ અને બાદમાં મગજ પર અસર કરતા મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની વિવિધ વિભાગના નિષ્ણાત તબીબો સારવાર કરી રહ્યાં છે.
સુરતમાં પણ મ્યુકોરમાઇકોસિસએ માથું ઊંચક્યું છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નર્મદા જિલ્લાના ૩૮ વર્ષીય ચેતન અને સુરતના વેલાન્જાના ૬૦ વર્ષીય લીલાબેનનું મ્યુકોરમાઇસોસિસના કારણ મોત નીપજ્યું છે. આ બંને દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.સુરતમાં મ્યુકોરમાઇકોસિસના આજે બે દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆક ૧૦ થયો છે.
જેમાં નવી સીવીલમાં ૭ અને સ્મીમેરમાં ૩ દર્દીઓના મોત મ્યુકોરમાઇકોસિસના કારણે થયા છે. નવી સીવીલમાં મ્યુકોરમાઇકોસિસના કુલ ૨૭ દર્દીઓની સર્જરી કરવામાં આવી છે. જયારે સ્મીમેરમાં ૯ દર્દીઓની સારવાર કરવામાં આવી છે.
નવા કેસની વાત કરવામાં આવે તો નવી સીવીલ હોસ્પિટલમાં ૪ અને સ્મીમેરમાં ૨ નવા કેસ નોંધાયા છે. સુરતમાં નવી સીવીલ અને સ્મીમેર હોસ્પિટલ મળી અત્યાર સુધી કુલ ૧૭૫ દર્દી નોંધાયા છે. સિવિલમાં હાલ ૭૬ અને સ્મીમેર હોસ્પિટલમાં ૩૦ દર્દીઓ સારવાર હેઠળ છે.
Recent Comments