કોર્ટનાં મીડીએશન સેન્ટરની કુનેહથી પતિ-પત્નીનાં કોર્ટ કેસમાં સુખદ સમાધાન થયું

અમરેલી તા.૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ (શુક્રવાર) જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલી ખાતે કાર્યરત મીડીએશન સેન્ટર ખાતે પતિ-પત્નીનાં કોર્ટ કેસમાં મીડીયેટરશ્રીનાં કુનેહપૂર્વકનાં પ્રયત્નોથી સુખદ સમાધાન આવ્યું છે અને પતિ-પત્નીએ કેસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલી ખાતે મીડીએશન સેન્ટર કાર્યરત છે, જેમાં સમગ્ર જિલ્લાની તમામ તાલુકા કોર્ટમાં ચાલતા દિવાની-ફોજદારી તેમજ પતિ-પત્નિનાં કેસને સમાધાન અર્થે મોકલવામાં આવે છે. મીડીએશન સેન્ટરમાં નિમણૂંક પામેલાં તાલીમબધ્ધ મીડીયેટર વકીલશ્રીઓ બંને પક્ષકારોને વિવિધ રીતે સમજાવે છે તથા બાંધછોડ કરી કોર્ટ કેસમાંથી છૂટકારો મેળવવાનો રસ્તો બતાવે છે.
સમાધાનની આ જ શૃંખલામાં ફેમિલી કોર્ટમાં દાખલ થયેલા એક પતિ-પત્નીનાં ભરણપોષણનાં કેસમાં ફેમિલી કોર્ટને સમાધાનની શકયતા જણાતાં તેઓએ ઉક્ત કેસ અમરેલી મીડીએશન સેન્ટર ખાતે મોકલી આપ્યો હતો. જે કેસની વિગત મુજબ અરજદારનાં સામેના પક્ષ સાથે એક વર્ષ પહેલાં લગ્ન થયા હતા. લગ્નના થોડા સમય બાદ નાની નાની બાબતે મનદુ:ખ તથા કજિયા કંકાસ થતાં અરજદાર પોતાના પિયર આવી ગયા હતા. બાદમાં સમાજનાં વડીલોએ સમાધાન કરાવવાં પ્રયત્નો કર્યા પરંતુ તે પ્રયત્નો સફળ થયા નહોતા. બાદમાં અરજદારે ન્યાય મેળવવા ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. જે કેસની વિગતો પરથી અને પક્ષકારોનાં લગ્નજીવનનો સમયગાળો, પક્ષકારોની ઉંમર વેગેરે ધ્યાને લેતાં કોર્ટને કેસની કાર્યવાહી શરૂ કરતાં પહેલાં પક્ષકારોને યોગ્ય રીતે અને તાલીમ પામેલા મીડીયેટરશ્રી દ્વારા જો સમજાવટ કરવાનાં પ્રયાસો કરવામાં આવે તો પતિ પત્ની વચ્ચે સમાધાન થવાની ઉજળી શકયતાઓ જણાઈ હતી.
આથી કોર્ટે આ કેસ મીડીએશન સેન્ટર, અમરેલી ખાતે મોકલી આપ્યો હતો. બાદમાં અમરેલી મીડીએશન સેન્ટર દ્વારા આ કેસની કામગીરી એડવોકેટ અને મીડીયેટરશ્રી એચ. એચ. સેજુને સોંપવામાં આવી હતી. શ્રી સેજુએ બંને પક્ષકારો તથા તેનાં કુટુંબીજનોને બોલાવી જુદી જુદી બેઠક કરી હતી, બંને પક્ષકારોને વિગતે સાંભળ્યા અને બંને વચ્ચેનાં અણબનાવનું મૂળ કારણ શોધી કાઢ્યું, ત્યારબાદ બે મુદત સુધી પક્ષકારોને સુખી જીવન જીવવાનાં વિવિધ પાસાઓ અંગે સમજણ આપી કેસ પૂરો કરી સાથે રહેવા માટે રાજી કરવામાં સફળ રહ્યા હતાં. આ રીતે ફેમિલી કોર્ટ, મીડીએશન સેન્ટર તથા મીડીયેટરશ્રીનાં સંયુકત પ્રયાસોથી વધુ એક કેસનું સુખદ સમાધાન નીવડ્યું હતું, તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફૂલ ટાઈમ સેક્રેટરીશ્રી આર.વાય.ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments