ગુજરાત

કોર્ટ પરિસરમાં જ મહિલાને અપાઈ ધમકી ! પતિ દારુ પી ઝઘડો કરતો અને ગાળો બોલતો હોવાથી પત્નીએ કેસ કર્યો

કામરેજની પરિણીત મહિલાએ ખાધા ખોરાકી મેળવવા પતિ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો હતો. જેની શનિવારે તારીખ હોય, કઠોર કોર્ટના પરિસરમાં જ પતિએ તેના મિત્ર સાથે ધમકી આપતા, બન્ને વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપતા ગુનો નોંધાયો હતો. કામરેજના કઠોર ગામે દિવ્યલોક રેસીડંશીમાં રહેતી મમતાબેન વસંતભાઇ પાલા (26) અગાઉ સંત તુકારામ સોસાયટીમાં રહેતી હતી, ત્યારે કલ્પેશ પ્રવિણભાઇ પટેલ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. મમતાની ઉંમર 18 વર્ષ પૂર્ણ થતાં બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા હતા, અને કલ્પેશનાં ઘરે રહેવા ગઈ હતી. લગ્નજીવનમાં હાલ છ વર્ષનો એક પુત્ર વંશ છે. કલ્પેશને દારૂ પીવાની લત હોય મમતાને નાલાયક ગાળો બોલતા તેમજ મમતા પર શક કરતા બંને વચ્ચે ઝઘડો થતો હતો. 2020નાં લોકડાઉન થતાં મમતા પુત્ર સાથે પિયર રહેવા આવી હતી. અને પીઝા કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે. તેમજ ખાધા ખોરાકી મેળવવા માટે કલ્પેશ વિરુદ્ધ કઠોર કોર્ટમાં વકીલ મારફત કેસ દાખલ કર્યો હતો. જે કેસની તારીખ 7મેંનાં રોજ હોય, મમતા તેનાં વકીલ સાથે કોર્ટ પરીસરમાં વાત કરતી હતી, ત્યારે કલ્પેશે નજીક આવી તું મને બહાર મળ, હું તને બતાવું છું. કોર્ટમાં દલીલ પુરી થયા બાદ મમતા બહાર આવતાં પતિ કલ્પેશ પટેલે આવેશમાં આવી જણાવેલ કે તે મારા વિરુદ્ધ કેસ દાખલ કરાવેલ છે, પણ તને શાંતિથી જીવવા દઇશ નહીં તેવી ધમકી આપી હતી. અને તેનો મિત્ર આકાશ ઓડ પણ ગમે તેમ બોલવા લાગ્યો હતો. જેથી મમતાએ 100 નંબર પર પોલીસને ફોન કર્યો હતો. જેની જાણ કલ્પેશ અને આકાશને થઇ જતાં બંને કોર્ટ પરિસરમાંથી ભાગી ગયા હતા. બાદમાં મમતાએ કલ્પેશ પ્રવિણભાઇ પટેલ તથા આકાશ ઓડ બંને વિરુધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ આપતા ગુનો નોંધાયો હતો.

Related Posts