અમદાવાદમાં કોલેજાે શરૂ થતાં જ વિવિધ ડેની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ત્યારે શહેરની વિવેકાનંદ કોલેજમાં વેલેન્ટાઈન ડે મનાવવા નહીં ભણવા આવ્યો છું તેમ કહેનાર યુવકને ફટકારી પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં યુવકને ઈજા થતાં એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
બાપુનગરમાં રહેતો સચિન પરિહાર વિવેકાનંદ કોલેજમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. ૧૧મીના રોજ તે નિત્યક્રમ મુજબ કોલેજ ગયો હતો અને બપોરે બે વાગ્યે લેક્ચર પૂરો થતાં તેના મિત્ર સાથે નીચે ઉતરી રહ્યો હતો. ત્યારે બે છોકરાઓએ કહ્યું કે વેલેન્ટાઈન ડે ચલ રહા હૈ. જેથી સચિને જણાવ્યું કે અમે અહીંયા વેલેન્ટાઈન ડે મનાવવા આવ્યા નથી. અમે કોલેજમાં ભણવા માટે આવ્યા છીએ. તમે આવી ખરાબ વાતો કરશો નહીં. તેઓ નીચે ઉભા હતા ત્યારે બે અજાણ્યા વ્યક્તિ તેમની પાસે આવ્યા હતા. અને કહ્યું હતું કે તને બહુ હવા ચઢી ગઈ છે તું મને ઓળખતો નથી. તેમ કહી સચિન પર ઝપાઝપી કરી બિભત્સ ગાળો બોલી હતી.
સચિને ગાળો બોલવાનું ન કહેતાં બંને યુવકો ઉશ્કેરાઈ ગયા હતા અને માર મારવા લાગ્યા હતા. આ સમયે સચિન નીચે પડી ગયો હતો. ત્યારે એક યુવકે પાસે પડેલ પથ્થર સચિનના માથામાં મારી દીધો હતો. જેના કારણે સચિન લોહીલુહાણ થતાં મિત્ર સંદીપ તેને છોડાવવા વચ્ચે પડ્યો હતો. આ સમયે બુમાબુમ થતાં અન્ય લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. જેથી બંને શખ્શો ભાગી ગયા હતા. જે બાદ સચિનને એલજી હોસ્પિટલ લઈ જવાયો હતો.
Recent Comments