સ્વચ્છતા એ પ્રકૃતિના રક્ષણ અને સંસ્કૃતિના સંવર્ધનનું કાર્ય છે- શ્રી ગરીબરામબાપુ
સમાજના જાગૃત નાગરિકો સાથે સાધુ-સંતો અને સ્થાનિક પત્રકારોએ પણ આ અભિયાનમાં જોડાઈને સમાજ દાયિત્વ અદા કર્યું
સમગ્ર દેશમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે તેમાંથી ભાવનગર જિલ્લો પણ બાકાત નથી.
જમીનની સ્વચ્છતા સાથે દરિયાઇ સ્વચ્છતા પણ અગત્યની છે. તેમાં પણ ભાવનગર જીલ્લો મોટા પ્રમાણમાં દરિયાકિનારો ધરાવે છે ત્યારે આ દરિયા કિનારાની સ્વચ્છતા પણ ખૂબ અગત્યની છે. તેને ધ્યાનમાં રાખીને ગરીબદાસ બાપુના નેતૃત્વમાં પ્રસિદ્ધ કોળીયાક તીર્થના દરિયા કિનારે ગત રવિવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શ્રી ગરીબ રામબાપુએ આ સંદર્ભમાં જણાવ્યું કે, દેહની શુદ્ધતા જેટલી જરૂરી છે. તેટલી જ પ્રકૃતિની સ્વચ્છતા પણ જરૂરી છે. પ્રકૃતિ જેટલી સ્વચ્છ હશે તેટલી જ આપણને સ્વચ્છ હવા, પાણી ઉપલબ્ધ બનવાના છે. તેમણે ઉમેર્યું કે, પ્રકૃતિના રક્ષણ અને સંવર્ધનના સંસ્કારો પરાપૂર્વથી આપણને મળ્યાં છે, પરંતુ આપણામાં રહેલી કેટલીક આળસને કારણે અથવા ભૌતિકવાદની ફાસ્ટ દુનિયામાં એનાં પ્રત્યે આપણે દુર્લક્ષ સેવી રહ્યા છીએ. તેના પરિણામે આપણે અત્યારે વાતાવરણના બદલાવોના ફેરફારની વૈશ્વિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છીએ. જ્યાં ઠંડી પાડવી જોઈએ ત્યાં ગરમી પડે છે, જ્યાં ગરમી પડવી જોઈએ ત્યાં ઠંડી પડે છે, જ્યાં વરસાદ નથી પડતો ત્યાં વરસાદ પડે છે અને જ્યાં વરસાદ પડવો જોઇએ ત્યાં વરસાદ પડતો નથી.આમ, વાતાવરણમાં ધરમૂળથી બદલાવ આવ્યો છે. ક્લાઈમેટ ચેન્જએ આજના સાંપ્રત જીવનનો સળગતો પ્રશ્ન બન્યો છે અને વૈશ્વિક સ્તરે પણ તેના અંગેની ચર્ચાઓ અને મનોમંથન થઈ રહ્યાં છે. ત્યારે આપણે આપણી આસપાસ રહેલા પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. તેને ધ્યાનમાં રાખીને વરતેજ નાની ખોડિયાર માતાજી જીવદયા સંસ્થા દ્વારા કોળિયાક તિર્થના સમુદ્ર કિનારે ગત રવિવારે સફાઇ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નિષ્કલંક મહાદેવ, કોળિયાક ખાતે અમાસ પર્વે ભારે ભીડ એકત્ર થતી હોય છે અને તેમના દ્વારા ફેંકવામાં આવતાં પૂજાપા સહિતના કચરાને કારણે સમુદ્રકિનારો પણ અસ્વચ્છ થતો હોય છે ત્યારે કાર્યકર્તાસેવકો દ્વારા શ્રી હરસિધ્ધીદીદીના નેતૃત્વમાં સફાઈ કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોળિયાક ખાતે યોજાયેલા આ સફાઈ અભિયાન સાથે સંકળાયેલા શ્રી વિશ્વાનંદમયી માતાજીએ તેથી જ આ પર્યાવરણ સંવર્ધનના આ કામને કૃષ્ણ કાર્ય સાથે સરખાવ્યું હતું. તેમણે કહ્યું કે, સમુદ્ર કિનારે ભારે ચિંતાજનક સ્થિતિમાં પૂજા સામગ્રી સાથે પર્યાવરણને હાનિકારક વસ્તુઓ તથા પદાર્થ શ્રદ્ધાળુઓ દરિયામાં પધરાવતા હોઈ અહીં ઘણો કચરો એકત્ર થઈ ગયો હતો તેથી આ કચરો સાફ કરવો જરૂરી હતો. સાધુ સમાજના અગ્રણી શ્રી વિશ્વંભરદાસબાપુ, શ્રી પ્રવિણગીરી ગોસ્વામીજી, સહયોગી પત્રકાર શ્રી પ્રેમ કંડોલિયા, વનવિભાગના શ્રી હાર્દિકસિંહ ગોહિલ, શ્રી ભાવિકભાઈ ગોહિલ તથા જળ અભિયાન સાથે સંકળાયેલા મુકેશભાઈ પંડિત આ અભિયાનના પ્રેરક બળ બનીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ અભિયાનના પ્રેરકશ્રી હરસિધ્ધીદીદીના નેતૃત્વ સાથે આગામી સમયમાં આવી અનેક સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરવાં માટેનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો.
Recent Comments