ભાવનગર જિલ્લા કોળી કર્મચારી સંગઠનનો ૯ મો વિદ્યાર્થી સન્માન સમારોહ તથા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર શહેરના ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાયો હતો. આ સમારોહમાં કોળી સમાજના જિલ્લાના ૮૦૦ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેર કોળી સમાજના પ્રમુખશ્રી કાળુભાઈ જાંબુચા અને મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરીને સરસ્વતી વંદના સાથે આ સેમિનારનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓને આપવામાં આવતું નાનું એવું પ્રોત્સાહન પણ વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે તેમજ કારકિર્દીના નિર્માણ માટે મોટું બળ પૂરું પાડતું હોય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ વિદ્યાર્થીઓનું સન્માન નથી પરંતુ તેમણે જીવનમાં જે લક્ષ્ય નિર્ધારિત કરીને તેને હાંસલ કરવા માટે જે મહેનત કરી છે તેને પોંખવાનો અવસર છે, સમાજ સામે સન્માનવાનો અવસર છે. જેનાથી સમાજના અન્ય વિદ્યાર્થીઓને પણ એક જાતની પ્રેરણા મળે. ગુજરાત રાજ્ય કોળી સેનાના યુવા પ્રમુખશ્રી દિવ્યેશભાઈ સોલંકી, એ.એસ.પી. શ્રી સફિન હસન તેમજ સમાજના અગ્રગણ્ય મહાનુભાવો વિદ્યાર્થી સન્માનના આ કાર્યક્રમમાં વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યાં હતાં.
ભાવનગર એ.એસ. પી. સફિન હસને વિદ્યાર્થીઓને ત્રણ ‘વ’ની શીખ આપતાં જણાવ્યું કે, વ્યસન, વતન અને વટ છોડી સખત મહેનત કરી અખિલ ભારતીય સનદી સેવાની પરીક્ષામાં સફળતા મેળવવા માટે શું કરવું જોઈએ તે અંગેનું સચોટ માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં જ્ઞાનમંત્રી વિદ્યાપીઠના સ્થાપકશ્રી નાકરાણી સાહેબે વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે શું કરવું જોઈએ અને કઈ દિશાની મહેનત કરવી જોઈએ તે અંગેનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમની સફળતા માટે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી શ્રી આર.સી.મકવાણાનો વિદ્યાર્થીઓને અભિનંદન આપતો શુભેચ્છા સંદેશો વાંચી સંભળાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અને સફળ બનાવવાં માટે નરશીભાઈ ચૌહાણ, મથુરભાઈ જાંબુચા, મગનભાઈ ડોડીયા, ધીરુભાઈ જાંબુચા, તેમજ ડોક્ટર નારણભાઈ બારૈયા ભારે જહેમત ઉઠાવી હતી.
Recent Comments