અમરેલી નહેરુ યુવા કેન્દ્ર દ્વારા મહિલા બ્યુટી પાર્લર તાલીમ વર્ગ સમાપન સમારોહ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર અમરેલી કચેરી દ્વારા આયોજિત તથા હનુમાનપરા મહિલા મંડળ દ્વારા સંચાલિત “કૌશલ આધારિત ઉદ્યમિતા કાર્યક્રમ” અંતર્ગત ત્રિમાસિક મુદ્દતના “મહિલા બ્યુટી પાર્લર તાલીમ વર્ગ” હનુમાનપરા અમરેલી ખાતે શ્રીમતી હેતલબેન બગથલીયાના નેતૃત્વમાં તથા અમરેલી જિલ્લા યુવા અધિકારી શિખર રસ્તોગીના માર્ગદર્શનમાં ચાલી રહ્યું હતું. આ તાલીમ વર્ગ પૂર્ણ થતાં સમાપન સમારોહનું યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમની શરુઆતમાં આનંદનગર અમરેલીના યુવા મહિલા અગ્રણી શ્રીમતી પ્રજ્ઞાબેન કૌશિકભાઈ ત્રિવેદી દ્વારા યુવાઓના આદર્શ સ્વામી વિવેકાનંદજીની છબીને માળા અર્પણ કરી દીપ પ્રગટાવવામાં આવ્યો હતો. અમરેલી નહેરુ યુવા કેન્દ્રના ઓફિસ આસિસ્ટન્ટ શ્રી જેઠવા દ્વારા કચેરીની યુવા પ્રવૃત્તિઓ તથા રોજગારલક્ષી તાલીમ અંગે માર્ગદર્શન આપી આર્થિક રીતે પગભર થવા માટેના પગલાંઓ ભરવા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કો-ઓર્ડીનેટર તથા ડાયરેક્ટરશ્રી ધીરુભાઈ વાગડીયાએ બહેનોને બ્યુટી પાર્લર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શિવમ ગોસાઈએ જણાવ્યુ હતુ કે, અમરેલી નહેરુ યુવા કેન્દ્ર કચેરીમાં ૨૪ જેટલા યુવાનોની થનાર ભરતીમાં ઓનલાઇન અરજીઓ કરી શકે છે. બ્યુટી પાર્લર તાલીમ સફળ રીતે પૂર્ણ કરનાર બહેનોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા આશિષ જાદવ તથા તાલીમ વર્ગની બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી, તેમ અમરેલી નહેરુ યુવા કેન્દ્રની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments