ગુજરાત

ક્રાઇમ બ્રાન્ચના પો.કોન્સ્ટેબલ વિરુદ્ધ મહિલાએ ડોમેસ્ટીક વાયોલન્સ હેઠળ ફરિયાદ નોંધાવી

અમદાવાદના ક્રાઇમબ્રાંચમાં રહીને ખુંખાર ગુનેગારોને પકડી પાડતો એક પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસ કોન્સ્ટેબલના ત્રણ લગ્ન થઇ ગયા હોવા છંતાય તે એક મહિલા સાથે લફડું કરી બેસતા પત્નીએ તેમને ધોળા દિવસે તારા બતાવી દીધા છે.
અમદાવાદના માધવપુરા પોલીસ લાઇનમાં રહેતી એક ૨૮ વર્ષીય યુવતીએ પુર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ પતિ, તેની પ્રેમિકા અને સાસુ સસરા વિરુદ્ધ ડોમેસ્ટીક વાયોલન્સ એક્ટ હેઠળ ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે યુવતીની ઉમંર ૧૮ વર્ષની હતી, ત્યારે તેના લગ્ન દાહોદમાં રહેતા એક યુવક સાથે થઇ ગયા હતા. યુવક પોલીસ કર્મચારી હોવાના કારણે તે તેની સાથે અમદાવાદ આવી ગઇ હતી. પોલીસ કર્મચારીના અગાઉ બે વખત લગ્ન થયા હતા જાેકે અગમ્ય કારણોસર છુટાછેડા થઇ જતા તેને યુવતી સાથે વર્ષ ૨૦૧૧માં ત્રીજા લગ્ન કર્યા હતા.

પોલીસ કર્મચારી અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં કોન્સ્ટેબલ હોવાથી તે અમદાવાદમાં રહેતા હતા અને યુવતીનો પુત્ર દાહોદમાં તેના સાસુ સસરા સાથે રહેતો હતો. દસ વર્ષ સુધી કોન્સ્ટેબલે પત્નીને સારી રીતે રાખી હતી. જાેકે અચાનક તેનો સ્વભાવ બદલાઇ જતા પત્નિને શંકા ગઇ હતી. યુવતીએ તપાસ કરી તો પતિનું અન્ય સ્ત્રી સાથે લફડુ સામે આવ્યુ હતું. યુવતીના મોબાઇલ ઉપર પ્રેમિકાનો ફોન આવ્યો હતો અને ધમકી આપી હતી કે તારા પતિને છુટાછેડા આપી દેજે નહી તો તને જીવતી નહી રહેવા દઉ. હવે તારો પતિ મારી સાથે રહેશે તું મારુ કઇ નહી બગાડી લે.
થોડાક સમય બાદ યુવતીના સાસુ સસરા અમદાવાદ આવ્યા હતા, જ્યા તેને સમગ્ર હકીકત કહેતા તેમને યુવતીનો સાથે દેવાની જગ્યાએ પુત્રનો સાથ આપ્યો હતો અને કહ્યુ હતું કે અમારા દિકરાને તું હવે ગમતી નથી એટલે તેને જે છોકરી પસંદ હશે તેની સાથે લગ્ન કરાવીશું અને તેને વહુ તરીકે રાખીશું. સાસુ સસરાની વાત સાંભળીને યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. પતિ તેમજ સાસુ સસરા અને પ્રેમિકાના ત્રાસતી અંતે યુવતીએ પુર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. મહિલા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

Related Posts