fbpx
સૌરાષ્ટ - કચ્છ

ખંભાળિયામાં ૨ ટર્મ બાદ મુળુભાઈએ ભગવો લહેરાયો, દ્વારકાના પબુભા આઠમી વખત વિજેતા

દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ગયા બાદ છેલ્લા એક સપ્તાહથી અટકળો, અનુમાનો તેમજ શરતોનો દૌર ચાલ્યા બાદ ગઈકાલે તમામ પ્રકારની ઇન્તેઝારીનો અંત થયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૮૧- ખંભાળિયા તથા ૮૨- દ્વારકા વિધાનસભા બેઠક માટે ચૂંટણીની મતગણતરી જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત એસ.એન.ડી.ટી. હાઈસ્કૂલના વિશાળ બિલ્ડીંગમાં યોજવામાં આવી હતી. જે માટે તંત્ર દ્વારા તમામ સુચારુ તેમજ સુરક્ષા વ્યવસ્થા મજબૂતીથી ગોઠવવામાં આવી હતી. સવારે જિલ્લા ચૂંટણી અધિકારી એમ.એ.પંડ્યા તથા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની રાહબરી હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આસ્થા ડાંગર, પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા, પાર્થ તલસાણીયા, ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ વગેરે દ્વારા વિધાનસભાની ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થયો હતો.

ચૂંટણીના પ્રારંભે ધીમી મત ગણતરીમાં ખંભાળિયા બેઠક માટેના પ્રથમ રાઉન્ડ બે રાઉન્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારએ ૨૨૫૩ અને ૩૨૧૫ ની લીડથી ભાજપના ઉમેદવાર કરતા આગળ રહ્યા હતા. જે સિલસિલો તેમણે ત્રીજા, ચોથા અને પાંચમા રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ સાથે ટક્કર આપી અનુક્રમે ૩૮૨૩, ૩૭૬૯ અને ૬૪૦૮ મતની લીડથી બરકરાર રાખ્યો હતો. બાદમાં ખંભાળિયા શહેર વિસ્તાર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોની મત પેટીઓ ખુલતા આમ આદમી પાર્ટીની વધતી જતી લીડ સતત ઘટતી ગઈ હતી. જેમાં સાતમા અને આઠમા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરા કરતા લીડ ઘટીને ૪૧૩૫ અને ૧૧૫૩ થઈ જવા પામી હતી.

આ પછી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઈશુદાન ગઢવીના મત હરીફ ઉમેદવાર મુળુભાઈ બેરા કરતા ઘટતા જતા આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ઈશુદાન ગઢવીએ મતગણતરીના અંતે કુલ ૫૯,૦૮૯ મત મેળવ્યા હતા. ખંભાળિયા ભાણવડ બેઠકના ઉમેદવાર મુળુભાઈ બેરા કે જે અગાઉ પણ ચાર ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા હતા. ઉપરાંત ૨૦૧૪માં તેઓ કોંગ્રેસના ઉમેદવાર સામે પરાજય પામ્યા હતા. તેઓએ આ ચૂંટણી જંગમાં મજબૂત ટક્કર આપી અને ૭૭૮૩૪ મત મેળવ્યા હતા. જ્યારે છેલ્લી બે ટર્મથી ખંભાળિયાના ધારાસભ્ય તરીકે ચુંટાતા કોંગ્રેસના વિક્રમભાઈ માડમએ ૪૪૭૧૫ મત મેળવ્યા હતા. આમ, ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરા વિજેતા બન્યા હતા. જ્યારે બીજા ક્રમે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી અને ત્રીજા ક્રમે કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા.

Follow Me:

Related Posts