ખંભાળિયા, કલ્યાણપુર અને મીઠાપુરમાંથી વિદેશી દારૂનો તોતિંગ જથ્થો મળ્યો
ખંભાળિયા તાલુકાના ઝાકસીયા તથા પીપળીયા ગામે ગત સાંજે ખંભાળિયા પોલીસે દરોડો પાડી કુલ રૂપિયા ૮.૬૬ લાખના વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. મીઠાપુરમાં રહેણાંક મકાનમાંથી ૪૮ બોટલ દારૂ મળ્યો હતો. આ પ્રકરણમાં જામજાેધપુર તાબેના સખપર ગામના શખ્સનું નામ પણ ખુલ્યું હતું. આ સમગ્ર પ્રકરણની પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ઝાકસીયા ગામની ગૌશાળા પાસેથી પસાર થતી મારૂતિ બ્રેઝા કારને પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણાની બાતમીના આધારે કોર્ડન કરી લેવામાં આવી હતી. આ મોટરકારની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની ૧૨૦ બોટલ મળી આવી હતી. આથી પોલીસે રૂ. ૪૮ હજારની કિંમતના વિદેશી દારૂ તથા રૂપિયા ૫ લાખની કિંમતની મોટરકાર તેમજ રૂ. ૫,૫૦૦ની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૫,૫૩,૫૦૦ના મુદ્દામાલ સાથે ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામે રહેતાં ભોરા ભોજા જામ અને ખંભાળિયાના હરસિધ્ધિનગર વિસ્તારમાં રહેતાં સાજા દેવાણંદ શાખરા નામના બે શખ્સોને ઝડપી લીધાં હતા.
દારૂનો આ જથ્થો કબજે લઈ પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ કરતાં પીપળીયા ગામે રહેતાં આરોપી ભોરા ભોજા જામ દ્વારા તેની વાડીમાં આવેલા એક મકાનની પાછળના ભાગે છુપાવીને રાખવામાં આવેલી વિદેશી દારૂની ૬૫ પેટી કબજે લેવામાં આવી હતી. જેમાં રૂ. ૩.૧૨ લાખની કિંમતની વિદેશી દારૂની વધુ ૭૮૦ બોટલ પોલીસે કબજે કરી હતી. દારૂનો આ જથ્થો જામજાેધપુર તાલુકાના સખપર ગામના રાજુ રબારી નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું પણ ખુલતાં પોલીસે હાલ તેને ફરાર ગણી, તેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આમ, ખંભાળિયા પોલીસે આ દરોડાની કાર્યવાહીમાં કુલ રૂ. ૮,૬૫,૫૦૦ ના મુદ્દામાલ સાથે બે શખ્સોની અટકાયત કરી પ્રોહીબીશન એક્ટ મુજબ સખપર ગામના રાજુ રબારીને ઝડપી લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહી અહીંના પીઆઈ પી. એમ. જુડાલ તથા સર્વેલન્સ સ્ટાફના ખીમાભાઈ કરમુર વિગેરે દ્વારા કરવામાં આવી હતી. ગુનામાં સંડોવાયેલા ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામના રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના માળી ગામની સીમમાં રહેતાં ભોરા ભોજા જામ નામના શખ્સ દ્વારા તેના માળી ગામે વડીલો પાર્જિત મકાનમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અન્ય રાજ્યમાંથી મંગાવીને છુપાવ્યો હતો. આ અંગે ચોક્કસ બાતમી એલસીબીના એએસઆઈ સજુભા હમીરજી જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ જાડેજાને મળતાં એલસીબી વિભાગનો પોલીસ કાફલો માળી ગામે દોડી ગયો હતો. અહીં છુપાવીને રાખવામાં આવેલી જુદી-જુદી બ્રાન્ડની ૧૩૩૦ બોટલ જેટલી પરપ્રાંતીય શરાબનો જથ્થો સાંપળ્યો હતો. પોલીસે આ સાથે સ્થળેથી કુલ રૂપિયા ૫.૩૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જેમાં ખંભાળિયાના ઝડપાયેલા ભોરા ભોજા જામનું નામના આરોપી તરીકે ખુલ્યુ હતું. જેથી, તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ કલ્યાણપુર પોલીસમાં ગુનો નોંધાયો હતો. અન્ય એક કાર્યવાહીમાં કલ્યાણપુર પોલીસે માળી ગામે રહેતા કુંભા ડાડા ગંઢ નામના શખ્સના કબજા ભોગવટાની વાડીમાં દરોડો પાડી, આ સ્થળેથી જુદી જુદી બ્રાંડનો ૫૭૩ બોટલ વિદેશી દારૂ કબ્જે કર્યો હતો. જેની કિંમત પોલીસ ચોપડે રૂ. ૨,૨૯,૨૦૦ જાહેર કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં કુંભા ડાડા ગંઢ સાથે ખંભાળિયાના હરસિધ્ધિનગર ખાતે રહેતાં અને વિદેશી દારૂ પ્રકરણમાં ઝડપાયેલા સાજા દેવાણંદ શાખરા તેમજ મૂળ ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામની સીમમાં રહેતાં અને હાલ માળી ગામના ભોરા ભોજા જામ નામના કુલ ત્રણ શખ્સોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
જે સંદર્ભે પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી. મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા હઠીયા ધનાભા માણેક નામના ૩૬ વર્ષના શખ્સના રહેણાંક મકાનમાં સ્થાનિક પોલીસે દરોડો પાડતાં આ સ્થળે છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા ૧૯,૨૦૦ની કિંમતની ૪૮ શરાબની બોટલો તેમજ એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૨૪,૨૦૦ના મુદ્દામાલ સાથે હઠીયા ધનાભા માણેકની અટકાયત કરવામાં આવી હતી. દારૂનો આ જથ્થો તેણે ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામના ગઢવી ભોરા ભોજા જામ નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાની કબુલાત કરી હતી. મીઠાપુર પોલીસે આ પ્રકરણ અંગે ધોરણસર ગુનો નોંધ્યો હતો.
Recent Comments