ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા
• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા
• સરકારનું જૂઠાણું જાહેર થયું : એક બાજુ ૨૨૦૦ કૂવા પૂર્યાંનો સ્વીકાર અને બીજી બાજુ માત્ર ૩૦ લિઝોની પરવાનગીની માહિતી – અમિત ચાવડા
સુરેન્દ્રનગરમાં ચાલતા કરોડો રૂપિયાના ગેરકાયદેસર કોલસાના ખનન અને ખનીજ માફિયાઓના હપ્તારાજ આગળ સરકારની ચુપ્પી વિષયે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ માહિતી આપી કે સુરેન્દ્રનગરમાં સરકાર, ભાજપનાં નેતાઓ અને ખનન માફિયાના પાપે ૩ લોકોના મોત થયા છે, ગેરકાયદેસર લીઝો ચાલી રહી છે અને કરોડોનો હપ્તો ગાંધીનગર સુધી પહોંચી રહ્યો છે.
શ્રી અમિત ચાવડાએ ખનન માફીયાઓ વિશે કહ્યું કે રાજ્યમાં ખાણ ખનીજ વિભાગમાં જે હપ્તાખોરી ચાલે છે તેના પરિણામે ખનન માફિયાઓ બેફામ થયા છે, ખનન માફીયાઓ જે રીતે જાહેરમાં બોલી રહ્યા છે કે હપ્તા છેક ગાંધીનગર સુધી પહોંચાડવામાં આવે છે.
શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે રાજ્યના સુરેન્દ્રનગરમાં જે ગેરકાયદેસર કોલસાનું ખનન થાય છે તેની રજૂઆતો અને ફરિયાદો વારંવાર કરવામાં આવી છે, ગેરકાયદેસર ખનનમાં ગુંગળાઈને મૃત્યુ થવાના અનેક દાખલાઓ છે, જેમાં ભાજપના જ નેતાઓ સામે ફરિયાદો પણ દાખલ થઈ છે.
શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાતમાં સુરેન્દ્રનગરમાં ચાલતી ગેરકાયદેસર લીઝોમાં માત્ર ૩૦ લીઝો કાયદેસર છે જેનો વિસ્તાર માત્ર ૭૮ હેક્ટરનો છે. એક બાજુ સરકાર સ્વીકારે છે કે માત્ર ૩૦ લીઝો આપી છે અને બીજી બાજુ ૩૦૦ જેટલી ગેરકાયદેસર ખાણો ચાલે છે. જેમાં રોજનું ૧૦૦૦ ટ્રક ગેરકાયદેસર કોલસાનું ખનન થઈ રહ્યું છે, રોજનો ૨૦,૦૦૦ ટન કોલસો ગેરકાયદેસર રીતે ખનન કરીને કાઢવામાં આવી રહ્યો છે, જે રોજનો રૂપિયા ૨ કરોડના ભાવે વેચાઈ રહ્યો છે ત્યારે સરકાર એમ કહે છે કે ફક્ત ૫ જ કેસ થયા છે.
અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે સરકારની મિલિભગતથી ચાલતા આ કોલસા કૌભાંડમાં છેલ્લા ૧૦ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૪ સુધી ૩૦ લીઝ માંથી માત્ર ૧૨ લીઝોની માપણી કરવામાં આવી છે. આ સરકારે હપ્તાખોરી કારણે જે વર્ષે વર્ષે લીઝોની માપણી કરવાની હોય છે તે કરી નથી.શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે આ લીઝોમાંથી કેટલું ખનન કરવામાં આવ્યું એ જાણવા માટે વખતોવખત આ લીઝોની માપણી કરાવવી જોઈએ અને એ મુદ્દે જ્યારે બાકીની ૧૮ લીઝોની માપણી ન કરાવવા મુદ્દે સરકાર પાસે કોઈ જવાબ જ નથી.
રાજ્ય સરકાર ધ્વારા જ આપવામાં આવેલી માહિતીને ટાંકીને અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યા કે રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે ૨૨૦૦ જેટલા ખનનના કૂવા પૂરવામાં આવ્યા છે.અમિત ચાવડાએ માંગણી કરી કે જો સરકારની નીતિ સાચી હોય તો જેમ દાદાનું બુલડોઝર ગરીબ માણસોનાં ઘર ઉપર ચાલે છે એમ ખનન માફીયાઓની ખાણ અને એમની પ્રોપર્ટી પર ચાલવું જોઈએ.
Recent Comments