અમરેલી તા.૦૨ જૂન,૨૦૨૫ (સોમવાર) જિલ્લાના ખેડૂતોએ ખરીફ મકાઈના પાકમાં રોગ જીવાત સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે લેવાના પગલાઓ ભરવા જરુરી છે.
ખેડૂતોએ જમીનમાં ઉંડી ખેડ દિવસ દરમિયાન કરવી જેથી તેમાં રહેલ કોશેટા બહાર આવતા પક્ષીઓ દ્વારા કુદરતી નિયંત્રણ મળશે.
તંદુરસ્ત અને રોગમુક્ત બિયારણ વાપરવું, ભલામણ કરેલ ખેતી પદ્ધતિનો સમયસર ઉપયોગ કરવો, એક જ જમીન પર મકાઈ વારંવાર ન વાવતા પાકની ફેરબદલી અપનાવવી. પિયત અને રાસાયણિક ખાતરનો વપરાશ ભલામણ મુજબ કરવો, મકાઈમાં પાછોતરો સૂકારો રોગના નિયંત્રણ માટે સારા નિતારવાળી જમીન વાવણી માટે પસંદ કરવી તેમજ જમીનનું તાપમાન નીચું રહે તે માટે ટૂંકા ગાળે પિયત આપવાથી રોગમાં ઘટાડો થાય છે.
મકાઈમાં ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે મગ, અડદ, તુવેર અથવા ચોળાં આંતરપાક તરીકે વાવવા. વાવેતર પહેલા લીંબોળીનો ખોળ ૧ ટન પ્રતિ હેક્ટર નાંખવું, પૂંછડે ચાર ટપકાવાળી લશ્કરી ઈયળ (ફોલ આર્મીવોર્મ)ના નિયંત્રણ માટે ઓછી સંવેદનશીલ જાતો જેવી કે ગુજરાત આણંદ પીળી મકાઈ હાઇબ્રીડ-૧ અને ૩નું વાવેતર કરવું.
પાનના સુકારા તેમજ તડછારો રોગ સામે પ્રતિકારક જાતો જેવી કે, ગુ.આ.પી.સં.મ.- ૧, ગુ.આ.સ.સં.મ.-૨, ગુ.આ.પી.સં.મ.-૩, ગંગા સફેદ-૨ અને ૧૧, ગુજરાત મકાઈ ૨,૪,૬, નર્મદા મોતી, ગંગા-૫, ડેક્કન-૧૦,શ્વેતા, નવીન અને જવાહર જેવી જાતોની વાવણી કરવી.
ગાભમારા, સાંઠાની ઇયળના વ્યવસ્થાપન માટે બિયારણનો દર વધારે રાખવો જેથી શરૂઆતમાં ઉપદ્રવ લાગેલા છોડ ઉપાડી ઇયળ સહિત નાશ કરવાથી ઉપદ્રવ ઘટાડી શકાય અને એકમ વિસ્તારમાં છોડની સંખ્યા સાચવી શકાય.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ બીજામૃતનો પટ આપી બીજને છાંયડામાં સૂકવી વાવેતર કરવું. વાવેતર સમયે ૧૦૦ કિલો છાણિયું ખાતર અને ૧૦૦ કિલો ઘન જીવામૃત ભેળવીને ૧ એકર જમીનમાં નાંખવું.
મકાઈના બીજનો કોહવારો, પાનનો સૂકારો અને ઉગતા છોડનો સૂકારો અટકાવવા માટે બીજને જૈવિક ફૂગનાશક તરીકે ટ્રાયકોડર્મા ૬ ગ્રામ પ્રતિ એક કિલોગ્રામ બીજ દીઠ માવજત આપીને વાવવા અથવા જરુરિયાત ધ્યાને લઈ ફૂગનાશક દવા તરીકે થાયરમ અથવા કાર્બેન્ડેઝિમ ૨-૩ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજની માવજત આપીને વાવણી કરવી.
ટપકાંવાળી લશ્કરી ઇયળ સામે રક્ષણ માટે બીજને કીટનાશકના તૈયાર મિશ્રણ સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૯.૮ ટકા વત્તા થાયામેથોક્ઝામ ૧૯.૮ ટકા એફએસ, ૬ મિ.લિ. પ્રતિ કિ.ગ્રા. પ્રમાણે સપ્રમાણ પાણી ભેળવી બીજ માવજત આપી છાંયડે સૂકવી વાવેતર કરવું.
આ અંગે વધુ વિગતો માટે સંબંધિત વિસ્તારના ગ્રામસેવકશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી, ખેતી અધિકારીશ્રી, તાલુકા અમલીકરણ અધિકારીશ્રી, મદદનીશ ખેતી નિયામકશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)શ્રી, નાયબ ખેતી નિયામક (તાલીમ)શ્રી નો સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.


















Recent Comments