ખાંભાના લાપાળા ડુંગર પર અંદાજે ૨૩૦ હેક્ટરમાં લાગેલી આગ સંપૂર્ણપણે નિયંત્રણમાં
આગ વધુ પ્રસરે નહીં તે માટે તમામ તકેદારીના પગલાં લેવાયા :
આગને કાબુમાં લેવા ૩૦૦ કર્મીઓ જોડાયા નજીકની નગરપાલિકાઓ પાસેથી ફાયર ફાઈટરો મંગાવી આગને કાબુમાં લેવાઈ કલેક્ટરશ્રી સહિતના તંત્રના તમામ અધિકારીશ્રીઓ વહેલી સવાર સુધી ઘટનાસ્થળે હાજર રહ્યાં
અમરેલી, તા. ૧૯ માર્ચ, ગત ૧૮ માર્ચના રોજ ખાંભા તાલુકાના નાનુડી ગામની સીમમાં સરકારી પડતર તથા ખાનગી માલિકીના ડુંગરાળ વિસ્તાર જે લાપાળાના ડુંગરના નામે પ્રખ્યાત છે ત્યાં અંદાજે ૨૩૦ હેક્ટરમાં આગ લાગી હતી જે હાલ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. ધારી ગીર પૂર્વ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલાએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ઘટનાસ્થળ મીતીયાળા અભ્યારણની નજીક હોવાથી વન વિભાગ તેમજ વહીવટી તંત્રના અન્ય વિભાગોના અધિકારીશ્રીઓ દ્વારા આગ વધુ વિસ્તારમાં ન પ્રસરે તે માટે તકેદારી રાખી કામગીરી કરવામાં આવી હતી. વન વિભાગના ત્રણ ડિવિઝન જેવા કે સામાજિક વનીકરણ વિભાગ, શેત્રુંજી વન્ય પ્રાણી વિભાગ અને ધારી ગીર પૂર્વના અધિકારીઓ કર્મચારીઓ એમ કુલ મળી અંદાજે ૩૦૦ જેટલા કર્મીઓએ આગ નિયંત્રણમાં લેવા માટેના જરૂરી પગલાં લીધા હતા. બ્લોઅર્સ, ફાયર ફાયટરો અને અન્ય અગ્નિશામક ઉપકરણો થકી આગ હવે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. નોંધનીય છે કે આ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારના વન્ય પ્રાણી કે અન્ય પ્રકારની જાનહાની નોંધાયેલ નથી. જો કે હાલ વન વિભાગ દ્વારા સ્કેનિંગની કામગીરી શરુ છે. આગને કાબુમાં લેવા માટે નજીકના નગરપાલિકા વિસ્તારો પાસેથી ફાયર ફાયટરો માંગીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા સહિતના તંત્રના અધિકારીશ્રીઓ આજે વહેલી સવાર સુધી ઘટનાસ્થળ ઉપર હાજર રહ્યા હતા
Recent Comments