અમરેલી

ખાંભાના લાપાળા ડુંગર પર લાગેલી આગ હાલ સંપૂર્ણપણે નિયંત્રણમાં : કલેક્ટર

૧૦ ફાયર ફાઈટરો અને અન્ય સાધનો થકી આગ કાબુમાં લેવાઈ

વન વિભાગના ૫ સભ્યોની એક ટીમ એવી ૫ ટીમોએ સઘન સ્થળ તપાસ કરી : સિંહો કે અન્ય કોઈ વન્યપ્રાણીને નુકશાનના કોઈ અહેવાલો નથી

સ્થળ તપાસ દરમિયાન કોઈ ઘવાયેલા પશુ મળી આવે તો બે પશુ ચિકિત્સકો સ્ટેન્ડ બાય રખાયા

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાનુડી ગામ નજીક આવેલા લાપાળાના ડુંગર પર આગ લાગવાની ઘટના ગઈકાલે ૧૮ માર્ચના બની હતી. જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા તેમજ વહીવટી તંત્રના તમામ અધિકારીઓએ તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ આગને કાબુમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આજે ૧૯ માર્ચના બપોર સુધીમાં સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સ્થાનિક વહીવટી તંત્રની ટીમ રાઉન્ડ ધ ક્લોક સ્થળ પર હાજર છે. સ્વાભાવિક છે કે હાલ આગ શમવાના લીધે કોઈ કોઈ જગ્યાએ ધુમાડો નજરે પડે છે પરંતુ લોકોએ ભ્રમિત થવાની જરૂર નથી.

ઉલ્લેખનીય છે કે ૧૦ ફાયર ફાઈટરો અને અન્ય સાધનો થકી આગ કાબુમાં લેવામાં આવી છે. વન વિભાગના ૫ સભ્યોની એક ટીમ એવી ૫ ટીમો દ્વારા સઘન સ્થળ તપાસ કરવામાં આવી હતી. પરંતુ સિંહો કે અન્ય કોઈ વન્યપ્રાણીને નુકશાનના કોઈ અહેવાલો મળ્યાં નથી. આ ઉપરાંત તપાસ દરમિયાન કોઈ ઘવાયેલા પશુ મળી આવે તો બે પશુ ચિકિત્સકોને સ્થળ ઉપર જ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં હતાં.

Related Posts