ખેડાના ધરોડામાં ઝગડામાં ઉપરાણું લઈ ભત્રીજાએ કાકાને માથુ દિવાલમાં પછાડી મોતને ઘાટ ઉતાર્યો

ખેડા પાસેના ધરોડામાં દંપતિ વચ્ચે જમવા બાબતે તકરાર થઈ હતી. જેમાં અપશબ્દો ન બોલવા જણાવતાં ઉપરાણું લઈને આવેલા કૌટુંબિક ભત્રીજાએ કાકાની બોચી પકડી દિવાલમાં પછાડી લાકડી મારી હત્યા કરી નાખી હતી. ખેડા ટાઉન પોલીસે ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. ખેડા તાલુકાના ધરોડા ગામે રહેતા ૫૨ વર્ષીય સવિતાબેન ભરતભાઈ ઉર્ફે મંગાભાઈ ચૌહાણ પોતે પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ ગામ પાસે આવેલા એક ખેતરમાં ડાંગર કાપવાની મજૂરીએ ગયા હતા. આ સમયે ગામના એક વ્યક્તિએ જણાવ્યું કે, તમારા પતિ ભરતભાઈ ઉર્ફે મંગાભાઈ પોપટભાઈ ચૌહાણ ગુજરી ગયા છે.
જેથી સવિતાબેન હાંફતા હાંફતા પોતાના ઘરે આવી પહોંચ્યા હતા અને જાેયું તો તેમના પતિ ભરતભાઈ ઉર્ફે મંગાભાઈ પોપટભાઈ ચૌહાણનો ખાટલામાં મૃતદેહ પડ્યો હતો. સમગ્ર ઘટના અંગે સવિતાબેને પોતાની દિકરી ભૂમીને પુછતા તેણીએ જણાવ્યું કે, સાંજના આપણા કૌટુંબિક માસી શારદાબેન તખાભાઈ તથા તેમના પતિ તખાભાઈ બંને જણા જમવા બાબતે અંદરો અંદર ઊંચા અવાજે ઝઘડતા હોય અને ગાળો બોલતા હોય જેથી બાપુજી ભરતભાઈ ઉર્ફે મંગાભાઈ ચૌહાણે આ તખાભાઈને જણાવેલ કે, ગાળો ન બોલશો છોકરીઓ સાંભળે છે.
તેમ કહેતા તખાભાઈનો દિકરો અમરતભાઈ તખાભાઈ ચૌહાણ એકાએક દોટ મૂકીને ઉપરાણુ લઈ આવ્યો હતો. આ દરમિયાન અમરતે વાડામાં રોપેલ લાકડું લઈને આવીને ભરતભાઈ ઉર્ફે મંગાભાઈ ચૌહાણને બોચી પકડી તેમનું માથું દીવાલમાં પછાડ્યું હતું અને હાથમાં લાકડાનો ડંડો બરડાના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડી હતી અને આ બાદ અમરત નાસી ગયો હતો. લોકોએ છોડાવવા પ્રયત્ન કર્યો પરંતુ તે પહેલા જ તેમને ગંભીર ઈજા થવાના કારણે મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટના સંદર્ભે મરણ જનાર ભરતભાઈ ઉર્ફે મંગાભાઈ ચૌહાણની પત્ની સવિતાબેને ખેડા ટાઉન પોલીસ મથકે પોતાના કૌટુંબિક ભત્રીજા અમરત તખાભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
Recent Comments