ખેડાના 520 વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરોની હડતાળથી પંચાયતોમાં કામગીરી ઠપ્પ, લોકોને તાલુકા કચેરીના ધક્કા ખાવાનો વારો ઓપરેટરો વીમા કવચ, જોબની સિક્યુરિટી જેવી માંગણીઓને લઇને ગત 11 મેથી હડતાળ પર ઉતર્યા પ્રજાને પંચાયતથી તાલુકા કચેરીના ધક્કા ખાવા પડ્યા, નાણાં અને સમયનો બગાડ ખેડા જિલ્લામાં 520 કોમ્પ્યુટર ઓપરેટરો હડતાળ ઉપર ઉતરતાં ઈ-ગ્રામ હેઠળની સેવાઓને માઠી અસર થઈ જવા પામી છે. જેના કારણે ગ્રામ્ય પ્રજાને વિવિધ કામો માટે તાલુકાની કચેરીના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તમામ ગ્રામપંચાયતોને ઇ-ગ્રામ વિશ્વગ્રામ હેઠળ આવરી લેવામાં આવી છે. આ ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટર ઓપરેટરની (વી.સી.ઇ) નિમણૂંક કરવામાં આવી છે. આ કોમ્પ્યુટર ઓપરેટરને સરકાર દ્વારા ફિક્સ વેતનના બદલે નજીવું કમીશન આપવામાં આપવામાં આવે છે. આ કમિશન પણ નિયમિતપણે ચૂકવવામાં આવતું ન હોવાથી કોમ્પ્યુટર ઓપરેટરની હાલત કફોડી બની છે.
જેથી કોમ્પ્યુટર ઓપરેટર સાહસિક મંડળ કમિશન પ્રથા બંધ કરી ફિક્સ વેતન આપવા છેલ્લા કેટલાક વર્ષથી વગર પગારે નજીવા કમિશનમાં કામ કરતા કર્મચારીઓને સરકારી લાભ આપવા, વીમા કવચ, જોબની સિક્યુરિટી જેવી વિવિધ માંગણીઓને લઇને 11 મે 2022થી અનિશ્ચિત મુદતની હડતાળ ઉપર ઉતર્યા છે. આ રાજ્યવ્યાપી હડતાળમાં ખેડા જિલ્લાના 520 વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો હડતાળ ઉપર ઉતરતાં ઇ-ગ્રામ હેઠળ આવરી લેવામાં આવેલી સેવાઓ ઠપ્પ થઇ ગઇ છે, જેથી ગ્રામીણ પ્રજા હાલાકીમાં મુકાઈ ગઇ છે. ઇ-ગ્રામ હેઠળની સેવાઓ માટે તાલુકાની કચેરીમાં પ્રજાને ફેરો ખાવો પડ્યો છે. સરકાર દ્વારા ગ્રામ્ય પ્રજાને આવકના દાખલા, જમીનની નકલો, વિધવા સહાય, આયુષ્માન કાર્ડ, રેશન કાર્ડમાં નામ ઉમેરવા-કમી કરવા, કાર્ડનું વિભાજન જેવી કામગીરી ઇ-ગ્રામ હેઠળ આવરી લેવામાં આવી છે. ત્યારે કોમ્પ્યુટર ઓપરેટરો હડતાલ પર ઉતરતાં આવકના દાખલા, વિધવા સહાય જેવા વિવિધ કામો માટે પ્રજાને ગ્રામ પંચાયતથી તાલુકાની કચેરીના ધક્કા ખાવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે નાણાં અને સમયનો બગાડ થઇ રહ્યો છે.
Recent Comments