fbpx
ગુજરાત

ખેડામાં ડંડા વડે પતિની હત્યા કરનારી હત્યારી પત્ની ઝડપાઇ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં હત્યાનો બનાવ બન્યો છે. અહીં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ મૃતકની પત્નીએ જ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવક તેની પત્ની પર ચારિત્ર્યને લઈને શંકા રાખતો હતો. આ ઉપરાંત ઘર કામને લઈને પણ પતિ અને પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. જે બાદમાં ગુસ્સે ભરાયેલી પત્નીએ માથામાં ડંડાનો ફટકો મારીને પતિને યમલોક પહોંચાડી દીધો હતો. મૃતકે બે વર્ષ પહેલા આરોપી પત્ની સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. બંનેને એક દોઢ વર્ષનું સંતાન પણ છે.

મળતી માહિતી પ્રમાણે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સુલતાનપુર ગામ ખાતે હત્યાનો બનાવ બન્યો છે. સુલતાનપુર ગામની હીના પરમાર નામની પરિણીતાએ પોતાના પતિ મુકેશ પરમારની હત્યા કરી નાખી છે. હીના અને મુકેશે બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યાં હતાં. બે વર્ષના લગ્ન જીવનમાં બંનેને એક દોઢ વર્ષનો પુત્ર પણ છે. થોડા સમયથી હીના અને તેના પતિ વચ્ચે ઘરકામ બાબતે ઝઘડો ચાલતો હતો. આ ઉપરાંત હીના પરમારનો પતિ મુકેશ પરમાર તેની પત્ની પર ચારિત્ર્યની શંકા રાખતો હતો.

૧૫મી ઓગસ્ટના રોજ બપોર ચાર કલાકે પોતાના સુલતાનપુર ગામ સ્થિત મકાનમાં હીના અને મુકેશ વચ્ચે ઝઘડો થતાં હીનાએ ઉશ્કેરાઈને પતિ મુકેશ પરમારના માથાના ભાગે વડે ડંડો મારી તેને ગંભીર ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદમાં હીનાએ પુરાવાનો નાશ કરવા માટે પતિ મુકેશ પરમારની લાશને તેના ઘરની પાછળ દાટવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ મામલે મૃતક મુકેશ પરમારના કાકાના દીકરા રસિક પરમારે કપડવંજ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપી હતી. કપડવંજ ગ્રામ્ય પોલીસે આરોપી પત્ની હીના પરમારની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts