fbpx
ગુજરાત

ખેડામાં ૨૫૦૦ પોલીસ કર્મી એકસાથે ટ્રેનિંગ લઈ શકે તેવું સેન્ટર બનશે

ખેડાના ખલાલ ખાતે પોલીસ કર્મચારીઓ માટે અલાયદું ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાશે, જ્યાં ૨૫૦૦ પોલીસ કર્મચારી એકસાથે ટ્રેનિંગ લઈ શકશે. રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા ૨૬૫ કરોડના બજેટ હેઠળ આ ટ્રેનિંગ સેન્ટર આગામી ત્રણ વર્ષમાં શરૂ થાય તેવી સંભાવના છે. આગામી ૧૫ એપ્રિલથી તેનું નિર્માણકાર્ય શરૂ થઈ જશે. રાજ્યને કેન્દ્ર તરફથી એનએસજી કમાન્ડો ટ્રેનિંગ સેન્ટરની મંજૂરી અપાઈ હતી. આથી ખલાલમાં કમાન્ડો ટાઇપ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના થઈ હતી. સેન્ટરમાં કમાન્ડો ટ્રેનિંગ ઉપરાંત એલઆરડી ઉમેદવારોને પણ ટ્રેનિંગ આપવાની વિચારણા ચાલી રહી હતી, જેને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે.

રાજ્ય પોલીસ આવાસ નિગમના એમડી હસમુખ પટેલે કહ્યું કે, અત્યાર સુધી રાજ્યમાં પોલીસ કર્મચારીઓને અલગ અલગ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, જેમાં અમુક સ્થળે પૂરતી સુવિધાઓનો અભાવ જણાતો હતો, જેના કારણે ટ્રેનિંગ લેનારા ઉમેદવારોને તકલીફ ઉઠાવવી પડતી હોય છે. આ સંજાેગોમાં ખાસ એલઆરડી માટેના જ ટ્રેનિંગ સેન્ટરની સુવિધા ઊભી થવાથી એક જ સ્થળે તમામ પ્રકારની ટ્રેનિંગ લેનારી વ્યક્તિમાં સારી ભાવના આવશે અને તે ગર્વપૂર્વક ટ્રેનિંગ લઈ પોતાની ફરજ સારી રીતે બજાવી શકશે.

સેન્ટરમાં ટ્રેઇની મહિલા-પુરુષ માટે હોસ્ટેલ, ૬ પરેડ અને ફૂટબોલ ગ્રાઉન્ડ, ૩૦ વોલીબોલ કોર્ટ, ઓડિટોરિયમ, એમ્પિથિયેટર, સ્વિમિંગ પૂલ, ઇન્ડોર ગેમ કોમ્પલેક્સ, સ્ક્વોશ-બેડમિન્ટન કોર્ટ, ફોરેન્સિક લેબ ઉપલબ્ધ કરાશે. ગુજરાત પોલીસ આવાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર હસમુખ પટેલે જણાવ્યું કે, ભવિષ્યમાં જરૂર પડશે તો વધુ ૨૫૦૦ પોલીસ કર્મીઓને ટ્રેનિંગ આપી શકાય તે પ્રકારનું આયોજન અત્યારથી જ કરવામાં આવ્યંુ છે.

Follow Me:

Related Posts