ગુજરાત

ખેડા જિલ્લામાં વિશ્વ પશુ ચિકિત્સક દિવસ ઊજવાશે, વર્ષ દરમિયાન 11 હજારથી વધુ પશુઓની સારવાર કરવામાં આવી

દર વર્ષે એપ્રિલ માસના છેલ્લા શનિવારે વિશ્વ પશુ ચિકિત્સક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વિશ્વભરના પશુ ચિકિત્સકો દ્વારા કરવામાં આવતા પશુ પક્ષીઓના જીવન બચાવવા કાર્યને પણ સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષ 30મી એપ્રિલના રોજ જી.વી.કે.ઈ.એમ.આર.આઈ સંસ્થામાં કાર્યરત તમામ પશુ ચિકિત્સકો દ્વારા ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત વિવિધ સંગોષ્ઠિ, તાલિમ, રસીકરણ જેવા વિવિધ પ્રોત્સાહિત કરતાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લામાં વર્ષ દરમ્યાન કુલ 11,819 પશુઓની સારવાર કરવામાં આવી છે. ગુજરાત સરકાર અને જી.વી.કે.ઈ.એમ.આર.આઈ સંયુક્ત ઉપક્રમે 6 ઓક્ટોબર 2017ના રોજ 1962 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા અને 22 જૂન 2020ના રોજ 10 ગામ દીઠ એક ફરતુ પશુ દવાખાનાની સેવા શરૂઆત કરવામાં આવી છે. હાલમાં 37 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે.

જે સવારના 8થી રાતના 8 વાગ્યા સુધી કાર્યરત હોય છે અને શહેર અથવા જિલ્લા મુખ્ય મથક ખાતે અસહારા પશુઓને સેવા પૂરી પાડે છે. કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ વિવિધ મેડિકલ સાધનો દ્વારા સુસજ્જ હોય છે, જેમાં નાની મોટી સર્જરી પણ કરી શકાય છે. જેવી રીતે આકસ્મિક સંજોગોમાં લોકોને 108, એમ્બ્યુલન્સની સેવા મળી રહે છે તેવી જ રીતે પશુઓ માટે પણ આકસ્મિક સંજોગો સર્જાય ત્યારે ઈમરજન્સી સેવા મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકારે નિ:શુલ્ક 1962 સેવા શરૂ કરી છે, જે અંતર્ગત આખા ગુજરાતમાં 7,49,430 ઈમરજન્સી કોલ મળેલ છે. તેમાથી 4,06,228 એમ્બ્યુલન્સ ડિસ્પેચ કરવામાં આવેલ છે જેમાં સૌથી વધારે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 થકી અમદાવાદ જિલ્લામાં 48,781 સુરતમાં 46,490 તથા વડોદરામાં 30,237 અનાથ અને અબોલ પશુઓની સારવાર કરવામાં આવેલ છે. જેમાં સૌથી વધારે 11,884 રખડતા કુતરાઓને સારવાર આપી પીડામાંથી મુક્ત કરેલ છે. ગુજરાત સરકાર જીવદયા અને કરૂણાને વરેલી છે એના પગલે મૂંગા જીવોના જીવન રક્ષણ માટે વ્યાપક કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. જેના ભાગ રૂપે રાજ્યના પશુ પાલન વિભાગ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ 2022માં ઉત્તરાયણ સમયે કરૂણા અભિયાન હાથ ધરવામાં આવેલ જેમા 88 જેટલી એમ્બ્યુલન્સનો સ્ટાફ ખડેપગે કાર્યરત રહેલ અને 9800 થી પણ વધુ એનિમલ ઈમરજન્સીને પ્રતિસાદ આપેલ છે. રાજ્ય સરકારે 22 જૂન 2020ના રોજ દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનાની શરૂઆત કરેલી જે અત્યારે હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં 40 દસ ગામ દીઠ એક પશુ દવાખાનાની એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ છે જે અંદાજિત 590 ગામડાઓમાં સેવા આપે છે જેને 10 MVD તરીકે ઓળખવામાં આવે છે,દસ ગામ દીઠ કરતા પશુ દવાખાના તરીકે દરરોજ જૂદા જૂદા ગામોમાં નિશ્ચિત સમયે જાય છે અને દરેક ગામમાં ઊભા રહીને ગામના પશુ ધનને સારવાર આપે છે. એટલુ જ નહીં ઈમરજન્સીના સંજોગોમાં કોઈ પણ સ્થળે દોડી જઈ ઈમરજન્સી સેવા પણ આપે છે જેના કારણે અત્યાર સુધી માલધારીઓને પશુઓની સારવાર માટે જે દોડીદોડી કરવી પડતી હતી અને તગડો ખર્ચ કરવો પડતો હતો.

તેમાંથી મુક્તિ મળી છે તેમજ ગાય, ભેંસ, ઘેટા, બકરા જેવા પાલતુ પ્રાણી જ નહી પરંતુ શેરીમાં રખડતા કુતરા કે અન્ય રેઢિયાર ઢોર તથા વન્ય પ્રાણીઓની પણ આ સેવા દ્વારા સારવાર કરાઈ રહી છે. આ સેવા અંતર્ગત અત્યાર સુધીમાં 1,40,525 એનિમલને ઈમરજન્સીમાં સારવાર આપવામાં આવેલ છે તેમજ શિડ્યુલ કેસમાં ગામમાં જઈને, ઘરે જઈને, ખેતરે જઈને, તબેલામાં જઈને 27,97,158 પશુધનને સારવાર આપવામાં આવેલ છે. અત્યાર સુધીમાં 10 ગામ દીઠ એક ફરતુ પશુ દવાખાનાની એમ્બ્યુલન્સ સર્વિસમાં 29,37,683 પશુધનને સારવાર આપેલ છે જેમાં 71,000 ની આજુબાજુ સર્જરી કરીને અબોલા જીવને નવજીવન આપેલ છે તેમજ 37,684 પશુઓની સલામત રીતે પ્રસૂતિ કરાવેલ છે. 1962 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ તથા દસ ગામ દીઠ એક કરતું પશુ દવાખાનામાં કામ કરતાં અમારા પશુ ચિકિત્સક અધિકારીઓને વર્લ્ડ વેટરીનરી દિવસની હાર્દિક શુભકામનાઓ તેમજ વેટરીનરી સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ અધિકારીઓ તેમજ સરકારી અધિકારીઓને પણ જી.વી.કે.ઈ.એમ.આર.આઈ હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. આવનાર દિવસોમાં આ પ્રોજેક્ટને ઊંચાઈએ લઈ જવામાં તેમજ ડેવલપમેંટના કામોમાં વેટરિનરીઅનને મુખ્ય પાયાની પૂજી તરીકે જોવામાં આવે છે જેઓ તેમના કાર્યક્ષેત્રમાં આ સંસ્થાની સેવાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને આબોલા જીવોને બચાવવાનું કામ કરે છે. જી.વી.કે.ઈ.એમ.આર.આઈ સંસ્થાના સીઇઓ જશવંત પ્રજાપતિ દ્વારા પણ આ દિવસ નિમિતે સ્વસ્થ પશુપાલન માટે નિયમિત જરૂરી પશુ ચિકિત્સા અને અસામાન્ય સ્થિતિમાં પણ પશુઓને 1962તથા દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના દ્વારા નિરંતર સેવા આપતા જી.વી.કે.ઈ.એમ.આર.આઈ તથા ગુજરાત સરકારના તમામ પશુ ચિકિત્સકોને શુભકામનાઓ પાઠવી છે.

Related Posts