ખેડૂતોએ આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી વખતે કાળજી રાખવી
રાજ્યના તમામ ખેડૂતોને આગમી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે ખેતી નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કેટલીક જરૂરી બાબતો માટે સજાગ રહેવા ધ્યાન દોરવામાં આવ્યુ છે.
જે અંતર્ગત ખેડૂત મિત્રોને બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાઇસન્સ/ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કરવાનો આગ્રહ રાખવા જણાવવામાં આવ્યુ છે કે, છેતરપિંડીથી બચી શકાય તે માટે કોઈપણ સંજોગોમાં પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ ,પેઢીઓ કે ફેરિયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહીં.
ઉપરાંત બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાઇસન્સ નંબર, પુરુ નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર ,ઉત્પાદક અને મુદત પૂરી થયાની વિગત દર્શાવતું બિલ સહી સાથે અવશ્ય લેવાનો આગ્રહ રાખો. બિયારણની થેલી શીલ બંધ છે કે કેમ, તેમજ મુદત પૂરી થઈ ગઈ હોય તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈ પણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદનનું નામ સરનામું અને બિયારણના ધારાધોરણ દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં. આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લા નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ)ને તુરંત જાણકારી કરવી. વાવણી બાદ ખરીદેલ બિયારણ નું પેકેટ થેલી તેમજ તેનું બિલ પણ સાચવી રાખવું જરૂરી હોવાનું નાયબ ખેતી નિયામકશ્રી,ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.
Recent Comments