અમરેલી

 ખેડૂતોની આવક બમણી કરવા, નુકસાનીના કિસ્સામાં પૂરતું વળતર ચૂકવવા સહિતના મુદ્દે જિલ્લાના અગ્રણીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરતા

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણા કરી આત્મનિર્ભર કૃષિ બનાવવાના લક્ષ્યને આગળ લઈ જવાની દિશામાં અમરેલી મુકામે કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે અમરેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. આ ઉપરાંત પાક વીમા, ખેડૂતોને કુદરતી સંકટથી થતી નુકસાનીના કિસ્સામાં સો ટકા વળતર મળી રહે તે મુદ્દે સાંસદશ્રી નારણભાઈ કાછડિયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા, સમિતિના ચેરમેનશ્રી શૈલેષભાઈ સંઘાણી, ડીરેક્ટરશ્રી  પી.પી.સોજીત્રા, અમરેલીના પૂર્વ ધારાસભ્યશ્રીઓ તેમજ કૃષિ અને સહકાર ક્ષેત્રના અગ્રણીઓ અને સમિતિના સભ્યો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ ચર્ચામાં કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, ખેડૂતોને નુકસાનીના કિસ્સામાં મળતી સહાયમાં હાલમાં કેન્દ્ર સરકારની  અને રાજ્ય સરકારની સહભાગીદારી છે. ભવિષ્યના આયોજનને ધ્યાનમાં રાખીને કૃષિ અગ્રણીઓ પોતાના સૂચનો આપે. રાજ્ય સરકારે નાણાકીય આયોજનના અભાવે એક પણ ખેડૂત સહાયતાથી વંચિત ન રહે તેની તકેદારી રાખીને નાણાકીય જોગવાઈ થાય તેવું આયોજન કર્યુ છે. ખેડૂતોની આવક બમણી થાય, તેમને નુકસાની ન થાય અને નુકસાની થાય તો તેમને પૂરતું અને સો ટકા વળતર મળી રહે તેવી દિશામાં રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

આ ચર્ચામાં સાંસદશ્રી નારણભાઈ કાછડિયાએ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટેની અને પાણીના સ્ટોરેજ ટેંક બનાવવાની યોજનામાં સહાયતા વધારે મળે તે અંગે રજૂઆત કરી હતી. કૃષિ અગ્રણી હિરેનભાઈ હિરપરાએ અમરેલીના ચલાલા ખાતે પ્રાકૃતિક કૃષિ માટેની તાલીમ કોલેજ શરુ કરવા તેમજ બી.એસ.સી. એગ્રિકલ્ચરનો કોર્સ સહિતના મુદ્દે રજૂઆત કરી હતી. કૃષિ મંત્રીશ્રીએ રાજ્ય સરકારની યોજનાઓનો ખેડૂતોએ પૂરતા પ્રમાણમાં લાભ મેળવે તેની તકેદારી રાખવા અગ્રણીઓને અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં સમિતિના ડાયરેક્ટરશ્રીઓ, ખેતીવાડી અને આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રીઓ, કૃષિ-સહકાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts