સુશાસન સપ્તાહના ચોથા દિવસે વકફ બોર્ડના ચેરમેનશ્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો
મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને મંજૂરીપત્રો, હુકમો અને સાધન સહાયનું વિતરણ કરાયું
રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની તા. ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને આજે સુશાસન સપ્તાહના ચોથા દિવસે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અમરેલીના લીલીયા રોડ પર આવેલા નવા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેન શ્રી સજ્જાદ હીરાની અધ્યક્ષતામાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો.
પ્રાસંગિક ઉદબોધન કરતા ચેરમેન શ્રી સજ્જાદ હીરાએ જણાવ્યું હતું કે ખેડૂતો અને પશુપાલકોનો આર્થિક વિકાસ એ જ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતોની આવક બમણી કરવા સતત પ્રયત્નશીલ છે ત્યારે આપણે સૌએ સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ.
સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જણાવ્યું હતું કે આપણો દેશ કૃષિ અને ઋષિઓનો દેશ છે. ભારત એ કૃષિ પ્રધાન દેશ હોવાથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દેશનું સુકાન સંભાળ્યા બાદ ગામ, ગરીબ અને ખેડૂતને વધુ પ્રાધાન્ય આપ્યું છે. જો ગામડાનો ખેડૂત આર્થિક રીતે સધ્ધર બનશે તો આપણા દેશનું અર્થતંત્ર આપોઆપ મજબૂત બનશે.

અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતી ઉપર વિશેષ ધ્યાન આપ્યું છે. શ્રી સાવલિયાએ ડેરી અને પશુપાલનના ઉદ્યોગ માટે મળતી વિવિધ સહાય અને ગોકુળ મિશન યોજના જેવી વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી હતી. વધુમાં તેઓએ શ્વેતક્રાંતિથી સમૃદ્ધિની પહેલમાં જોડાવા સૌને અપીલ કરી હતી.
જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ ફિંડોળિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતમિત્રોને આર્થિક રીતે સધ્ધર બનાવવા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. તમામ ખેડૂતમિત્રોને આ તમામ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી.
કાર્યક્રમમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગની યોજનાકીય માહિતી આપતી ટૂંકી ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત ખેડૂતમિત્રોને પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી આપી પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ અને અન્ય મહાનુભાવો દ્વારા વિવિધ યોજનાના લાભાર્થીઓને મંજૂરીપત્રો, હુકમો અને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વિપુલભાઈ દુધાત, અગ્રણી શ્રી મનુભાઈ ચોવટીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જે. કે. કાનાણી, નાયબ બાગાયત નિયામક શ્રી વાઘમશી, નાયબ ખેતી નિયામકશ્રી, આત્માના પ્રોજેકટ ડાયરેક્ટર શ્રી તેમજ બહોળી સંખ્યામાં ખેડૂત, પશુપાલક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments