ખેડૂતો ૨૬ જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી કાઢવા મક્કમ, પોલીસ સાથેની બેઠક અનિર્ણિત
ખેડૂત આંદોલનનો ૫૭મો દિવસ છે. નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગને લઇને પંજાબ સહિત કેટલાક રાજ્યના ખેડૂત દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતો સાથે પોલીસની બેઠકમાં કોઇ પરિણામ આવ્યુ નહતું. સતત ત્રીજા દિવસે પોલીસે ખેડૂતોને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. બેઠકમાં દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારી સામેલ થયા હતા. બેઠકમાં ખેડૂતોએ સ્પષ્ટ કર્યુ કે તે કોઇ પણ ભોગે દિલ્હીના આઉટર રિંગ રોડમાં ટ્રેક્ટર માર્ચ કાઢશે.
દિલ્હી પોલીસનું કહેવુ છે કે તે ગણતંત્ર દિવસને જાેતા આઉટર રિંગ રોડમાં ટ્રેક્ટર રેલીની પરવાનગી નથી આપી શકતા. દિલ્હી પોલીસે સૂચન આપ્યુ કે ખેડૂત કેએમપી હાઇવે પર પોતાની ટ્રેક્ટર માર્ચ કાઢે. ગણતંત્ર દિવસને જાેતા ટ્રેક્ટર માર્ચને સુરક્ષા આપવામાં કઠિનાઇ થશે.
બેઠક બાદ સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવે જણાવ્યુ- પોલીસ ઇચ્છે છે કે ખેડૂત દિલ્હીની બહાર જ રેલી કાઢે પરંતુ આ શક્ય નથી. અમે દિલ્હીની અંદર શાંતિથી રેલી કાઢીશું.
ખેડૂત નેતા દર્શન પાલે કહ્યુ, “બેઠકમાં દિલ્હી પોલીસે કહ્યુ કે આઉટર રિંગ રોડ પર પરવાનગી આપવી મુશ્કેલ છે અને સરકાર પણ તેની માટે તૈયાર નથી પરંતુ અમે કહી દીધુ છે કે અમે રિંગ રોડ પર જ રેલી કરીશું, તેમણે (પોલીસે) કહ્યુ કે અમે જાેઇએ છીએ. કાલે અમારી પોલીસ સાથે ફરી બેઠક મળશે.”
મહત્વપૂર્ણ છે કે નવા કૃષિ કાયદા પર ગતિરોધ દૂર કરવા માટે બુધવારે ૧૦માં તબક્કાની બેઠકમાં કેન્દ્ર સરકાર થોડી ઝુંકી હતી અને કાયદાને ૧.૫ વર્ષ માટે રદ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. સરકારે ખેડૂત સંગઠન અને સરકારના પ્રતિનિધિઓની એક સંયુક્ત સમિતીની રચના કરવાનો પણ પ્રસ્તાવ આપ્યો છે પરંતુ ખેડૂત નેતાઓએ તેને ફગાવી દીધો હતો અને કહ્યુ કે તે એક બીજા સાથે ચર્ચા બાદ કેન્દ્ર સામે પોતાના વિચાર મુકશે.
Recent Comments