fbpx
ભાવનગર

ખેતીને માત્ર વ્યવસાય નહિ, જીવનશૈલી બનાવવાં ભાર મૂકતાં લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવે

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુવર્ણજયંતી પ્રસંગે લોકભારતી સણોસરામાં યોજાયેલ ખેડૂત સંમેલનમાં લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેએ ભાર મૂકતાં જણાવ્યું કે, ખેતીને માત્ર વ્યવસાય નહિ, જીવનશૈલી બનાવવાં અને સૌને પ્રકૃતિ સાથે જોડાવું પડશે.દેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનાં સ્થાપના સુવર્ણજયંતી વર્ષ ઉજવણી સાથે ‘કૃષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહ’ ચાલી રહેલ છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરામાં યોજાયેલ ખેડૂત સંમેલનમાં આગેવાનો નિષ્ણાતો જોડાયાં અને ખેડૂતોએ મોટી સંખ્યામાં જોડાઈને પ્રદર્શન તથા માર્ગદર્શન લાભ લીધો હતો.

આ પ્રસંગે લોકવૈજ્ઞાનિક અને લોકભારતીનાં વડા શ્રી અરુણભાઈ દવેએ ખેડૂતોને ભાર મૂકતાં જણાવ્યું કે, ખેતીને માત્ર વ્યવસાય નહિ, જીવનશૈલી બનાવવાં અને સૌને પ્રકૃતિ સાથે જોડાવું પડશે. તેઓએ ખેતી કામ કરી રહેલાં શ્રમિક ભાગીદારોને તાલીમબદ્ધ કરવાં પણ જણાવ્યું હતું. વિવિધ યોજનાઓની સમજ આપવાં માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કાર્યરત હોવાનું ઉમેર્યું હતું.ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રૈયાબેન મિયાંણીએ આ પ્રસંગે સૌને પોતાની શુભકામના વ્યક્ત કરી હતી.

અહીંયા લોકભારતી વિશ્વવિદ્યાલયના વડા શ્રી રાજેન્દ્રભાઈ ખિમાણીએ સરકારનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા રખાયેલ લક્ષ્ય ૫૦ વર્ષમાં અધૂરું રહ્યાનું અને હવે સૌએ સાથે રહી જમીન, પાણી,પર્યાવરણ માટે મંડી પડવું જોઈશે. તેમણે કચરો દૂર કરવાનાં બદલે ઓછો પેદા થાય તથા તેને મૂલ્યવર્ધિત કરવાં અનુરોધ કર્યો હતો.કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં વડા શ્રી નિગમભાઈ શુક્લએ સ્વાગત ઉદ્બોધન સાથે આયોજન હેતુ, ભૂમિકા તથા કેન્દ્રની કામગીરીનો ઉલ્લેખ કરી જિલ્લા તંત્ર તથા સંસ્થાઓનાં થતાં આયોજનનો લાભ લેવા ખેડૂતોને જણાવ્યું હતું.

ખેડૂત સંમેલનમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી અશોકભાઈ પટેલ, નાયબ બાગાયત નિયામક શ્રી મહેશ ભાઈ વાઘમશી, નાયબ પશુપાલન નિયામક શ્રી ભાવેશભાઈ સોલંકી,  નાયબ ખેતી નિયામક શ્રી સુભાષભાઈ વાઘમશી, નાબાર્ડ જિલ્લા વિકાસ વ્યવસ્થાપક શ્રી દિપકભાઈ પલાસ, આત્મા યોજના અધિકારી શ્રી જયેશભાઈ પરમાર, ખેતીવાડી વિભાગ ભાવનગરનાં અધિકારી શ્રી રિઝવાનભાઈ કાઝી, વીઆરટીઆઈ ભાવનગરનાં વડા શ્રી નીતિનભાઈ દવે, ખેડૂત અગ્રણી શ્રી કરણસિંહ ગોહિલ દ્વારા પ્રાસંગિક વક્તવ્યોમાં કૃષિ ક્ષેત્રે નવી સમજ અપનાવવા સાથે યોજનાકીય જાણકારીઓ રજૂ થયેલ હતી. સંગીત વૃંદ દ્વારા શરૂઆતમાં સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું.સંચાલનમાં શ્રી શિલાબેન બોરીચા રહ્યા હતા. આભાર વિધિ શ્રી વિનીતભાઈ સવાણીએ કરી હતી.

Follow Me:

Related Posts