અમરેલી

ખેતી માટેનાં સાધનો-ઓજારોની ચોરી કરનાર બેલડીને એસ.ઓ.જી.એ ઝડપી લીધી

અમરેલી જિલ્‍લામાં અલગ અલગ જગ્‍યાએથી થોડા દિવસોથી ચોરીના બનાવો બનતા હોય, આવી ચોરીનો ભેદ ઉકેલવા માટે થઈ અમરેલી જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાય દ્વારા અમરેલી એસ.ઓ.જી.ને સૂચના આપતા એસ.ઓ.જી. આવી ચોરી કરનારા ઈસમોને ઝડપી પાડવા વોચમાં હતા. ત્‍યારે તેઓને મળેલ બાતમીના આધારે ચોરીમાં ગયેલા ખેતીને લગતા સાધનો- વાહનો મળી કુલ રૂા. 9.7પ લાખના મુદામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડયા હતા. પૂછપરછ દરમિયાન ગોંડલ પોલીસ સ્‍ટેશનના ત્રણ સહિત 9 ગુન્‍હાનીકબુલાત આપી હતી.

આ બનાવમાં અમરેલી જિલ્‍લામાં રહેતા અને મહા મહેનત મજૂરી કરી ખેડૂતો પૈસા બચાવી લોન લઈ ટ્રેકટર, ટ્રોલી, સનેડા જેવા ખેતીને લગતા સાધનો વસાવતા હોય છે. ત્‍યારે આવા કિંમતી અને ઉપયોગી ખેતીના સાધનોની ચોરી થયાના બનાવો અંગે અમરેલી જિલ્‍લાના વડિયા તથા બાબરા પોલીસ સ્‍ટેશનમાં 6 જેટલા ગુન્‍હા નોંધાયા હતા.

આવા સાધનોની ચોરી કરનાર શખ્‍સોને ઝડપી પાડવા માટે અમરેલી એસ.ઓ.જી.ના પી.એસ.આઈ. એમ.એ. મોરીએ બાતમી રાહે ટેકનીકલ સર્વેલન્‍સના આધારે હકીકત મેળવેલ કે, અમરેલી તાલુકાના મોણપર ગામ પાસે મોટા રેલ્‍વેના પુલની સામેના ભાગે અવાવરૂ ગૌચરની જમીનમાં ચોરીથી મેળવેલ ખેતીના ઉપયોગમાં લેવાતા વાહનો જેવા કે, ટ્રેકટર, ટ્રોલી, સનેડાઓ (નંદી) તથા તેમની સાથે જોડવાના ગાડા તથા અન્‍ય સાધનો વેચવાની પેરવી કરતા અમરેલી તાલુકાના મોણપર ગામે રહેતા મહેશ ઉર્ફે ગઢી રવજીભાઈ સોલંકી તથા રોહીત દિલીપભાઈ રાજયગુરૂ નામના બે ઈસમોને ટ્રેકટર નંગ-3, ટ્રોલી, સનેડા નંગ-ર, થ્રેસર-1, રોટાવેટર તથા મોબાઈલ-1 તથા ગાડા નંગ-ર મળી કુલ રૂા. 9,7પ,0પ1ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

આ ચોરીમાં ઝડપાયેલ બન્‍ને ઈસમોની પોલીસે ઝીણવટ ભરી પૂછપરછ કરતા આરોપીઓ દિવસ દરમિયાન જે જગ્‍યાએ ચોરી કરવાની હોય,ત્‍યાં દિવસ દરમિયાન મોટર સાયકલ લઈ રેકી કરી જગ્‍યા પસંદ કરી લેતા હતા અને મોડી રાત્રીના સમયે ચોરી કરવાના સ્‍થળે જઈ પ્રથમ તે વિસ્‍તારની સ્‍ટ્રીટલાઈટ, ઈલેકટ્રીક વીજવાયર કાપી નાખી વાહનને ડાયરેકટ ચાલુ કરી ખેતીના સાધનોની ચોરી કરતા હતા.

આ બનાવના બન્‍ને આરોપી અમરેલી જિલ્‍લાના વડિયા અને બાબરા ઉપરાંત રાજકોટ રૂરલના ગોંડલ પોલીસ સ્‍ટેશન હેઠળના વિસ્‍તારમાં પણ ત્રણ-ત્રણ વાહનોની ચોરી કરી હોવાની પણ કબૂલાત આપી હતી.

આમ અમરેલી જિલ્‍લાના ખેડૂતોને રંજાડનાર તથા ખેતીના કિંમતી અને ઉપયોગી એવા સાધનો ચોરી કરનાર આ બેલડીને ઝડપી પાડવામાં અમરેલી એસ.ઓ.જી. ટીમને ભારે સફળતા મળી હતી.

Related Posts