ગર્ભવતી મહિલાને સાસરિયાનો ત્રાસઃ નણંદે ભાભીને પેટમાં લાત મારતા ચકચાર
સંતાનના ભવિષ્ય માટે માતાપિતા તમામ પ્રયાસો કરતાં હોય છે, પરંતુ ઘણીવાર સંતાનો માતાપિતાની મરજી વિરુદ્ધ જઈને કોઈ ર્નિણય લેતા હોય છે. શહેરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીને સ્કૂલમાં તેની સાથે ભણતો છોકરો ફેસબુક પર મળ્યો હતો. બંને વચ્ચે થોડો સમય ચાલેલી વાતચીત દરમિયાન પ્રેમ થઈ ગયો હતો. બાદમાં બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ યુવતી ગર્ભવતી થઈ ત્યારે તેના પતિએ તેને તરછોડી દીધી હતી. નણંદે પરિણીતાને પેટમાં લાત મારી હતી અને બાળક થશે તો અમે મિલકતમાં ભાગ નહીં આપીએ તેમ કહ્યું હતું. આ મામલે કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
યુવક અને યુવતીની ફેસબુક પર વાતચીત દરમિયાન મિત્રતા વધી હતી અને આખરે બંને પ્રેમ સંબંધમાં બંધાઈ ગયાં હતાં. બાદમાં બંનેએ લગ્ન કરવાનો ર્નિણય કર્યો હતો. યુવતીનો પરિવાર આ લગ્નની વિરુદ્ધમાં હતો. પરંતુ યુવતીને યુવક જ સર્વસ્વ લાગતો હતો. જેથી બંનેએ પરિવારની વિરુદ્ધમાં જઈને લગ્ન કરી લીધા હતા.
આ દરમિયાન યુવતી ગર્ભવતી થઈ હતી. યુવતી ગર્ભવતી થતાં જ સાસરિયાઓએ તેમનો અસલી રંગ બતાવવાનું શરુ કરી દીધું હતું. યુવતીના બાળકને મિલકતમાં ભાગ ન આપવો પડે એ માટે સાસરિયાઓએ યુવતીને ગર્ભપાત કરાવવા દબાણ કરતાં હતાં. એક દિવસ યુવતીની નણંદે તેની પાસે જઈને કહ્યું હતું કે, તું ગર્ભપાત કરાવી લે. બાદમાં એક ગોળી આપી દીધી હતી. યુવતીએ આ ગોળી લેવાનો ઈન્કાર કરતાં સાસરિયાઓએ યુવતીને હેરાન કરવાનું શરુ કરી દીધું હતું. નણંદે યુવતીને પેટમાં લાત પણ મારી હતી.
આખરે પતિ અને સાસરિયાના ત્રાસથી ત્રસ્ત થઈને યુવતીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Recent Comments