ગળતેશ્વરના સોનીપુરા પાસે રોડ વચ્ચે નીલ ગાય આવતાં આઈસર ટ્રક રોડની સાઈડમાં ગટરમાં ઉતરી, ચાલકનું મોત
ખેડા જિલ્લાના ગળતેશ્વર પંથકમાથી પસાર થતાં અમદાવાદ-ઈન્દોર હાઈવે પર સોનીપુરા પાસે નીલ ગાય રસ્તા વચ્ચે આવતાં આઈસર ટ્રક ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી વાહન હાઈવેની સાઈડમાં ગટરમાં ઉતારી દેતાં ચાલક દબાઈ જતાં મોતને ભેટ્યો છે. સમગ્ર બનાવ સંદર્ભે સેવાલીયા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. બાલાસિનોર ખાતે રહેતા ૬૩ વર્ષિય અહેમદહુસેન અબ્બાસમિયા શેખ પોતે અમદાવાદ ખાતે આવેલ ટ્રાન્સપોર્ટ કંપનીમાં આઇસર ટ્રકમાં કંડકટર તરીકે ફરજ નોકરી કરે છે. તેમની સાથે ડ્રાઈવર તરીકે બાલાસિનોરના ઝાંઝરીવડ નાગની મસ્જિદ પાસે રહેતા રહેમાનભાઈ દાદુભાઈ કુરેશી નોકરી કરે છે. ગતરોજ આ રહેમાનભાઈ કુરેશી ઉપરોક્ત ટ્રાન્સપોર્ટ કંપનીની આઇસર ગાડી નંબર (જીજે-૦૭-વાયઝેડ-૮૬૯૨) ચલાવીને ગળતેશ્વર પાસેના અમદાવાદ ઈન્દોર હાઇવે પરના સોનીપુરા ગામ નજીકથી પસાર થતા હતા.
આ દરમિયાન એકાએક વાહનની આગળ નીલ ગાય આવી જતા રહેમાનભાઈ કુરેશીએ વાહનના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે આ આઈસર હાઇવેની સાઈડમાં ઉતરી ગઈ હતી અને ગાડીના સ્ટેરીંગ સાથે ચાલક રહેમાનભાઈ દબાઈ ગયા હતા. જ્યારે આઇસર ટ્રકમાં બેઠેલા ક્લીનરને પણ શરીરે વત્તા ઓછા પ્રમાણમાં ઇજાઓ થઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા રહેમાનભાઈને તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબી મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. આ બાનવ સંદર્ભે સેવાલીયા પોલીસે ફરિયાદની આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
Recent Comments