ગુજરાત

ગાંધીનગરનાં અંબાપુર પાસે રસ્તો ઓળંગી રહેલા રાહદારીનું બાઈકની અડફેટમાં આવતાં મોત

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે કોબા સર્કલથી અડાલજ જવાના માર્ગ ઉપર અંબાપુર પાસે અજાણ્યા બાઈકની અડફેટે રસ્તો ઓળંગી રહેલા રાહદારીનું મોત થયું છે. જે સંદર્ભે અડાલજ પોલીસે ગુનો દાખલ કરીને ફરાર બાઈક ચાલકની શોધખોળ શરૃ કરી હતી. પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં માર્ગો ઉપર અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવો એટલે કે અકસ્માત સર્જીને વાહન ચાલકો ફરાર થઈ રહ્યા છે.

આ પ્રકારની ઘટનાઓ વધતી હોવા છતાં આરોપીઓ પકડાતા નથી ત્યારે શહેર નજીક આવેલા કોબા સર્કલથી અડાલજ જવાના માર્ગ ઉપર અંબાપુર પાસે ગઈ કાલે સાંજે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં અંબાપુર ગામમાં રહેતા રાહદારીનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અંબાપુર ખાતે રહેતા અને રસનું કાલુ ચલાવતા મૂળ મહારાષ્ટ્રના વસંત કવડુજી તાવડે ગઈકાલે સાંજના સમયે અંબાપુર પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા

તે દરમિયાન પૂર ઝડપે આવી રહેલા બાઇક ચાલકે તેમને અડફેટ લીધા હતા અને તેમના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જીને ચાલક ત્યાંથી નાસી છૂટયો હતો એટલું જ નહીં ગંભીર રીતે ઘાયલ વસંતભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જે અકસ્માતની ઘટના સંદર્ભે તેમના સગા ચાંદખેડા ખાતે રહેતા રામકુમાર શ્રવણકુમાર પાટીલની ફરિયાદના આધારે અડાલજ પોલીસ દ્વારા ફરાર થઈ ગયેલા બાઈક ચાલકની શોધખોળ શરૃ કરવામાં આવી હતી.

Related Posts