ગાંધીનગર શહેર નજીક રાંધેજા હાઇવે ઉપર કારમાં પસાર થઈ રહેલા સેક્ટર ૨૯ના પરિવારની કારને ઉભી રખાવીને તેમાં સવાર બે શખ્સો દ્વારા પુત્ર અને પિતા તેમજ માતાને લાફા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે પેથાપુર પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી. આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શહેરના સેક્ટર ૨૯માં રહેતા વૃદ્ધ વિષ્ણુભાઈ ગંગારામ પ્રજાપતિ ગત શનિવારના રોજ તેમના પુત્ર દેવેન્દ્ર તેમજ પત્ની ગંગાબેન તેમજ પૌત્રી સાથે વાસણ ગામ ખાતે તેમની બીમાર દીકરીની ખબર કાઢવા માટે નીકળ્યા હતા. તેમની કાર રાંધેજા ચાર રસ્તા પસાર કરીને આગળ જઈ રહી હતી
તે દરમિયાન સાંજના સમયે પાછળથી એક કાર આવી હતી અને કાર ચલાવી રહેલા તેમના પુત્રને હાથથી ઇશારો કરીને કાર સાઈડમાં કરાવી હતી અને તેમની કાર આગળ ઉભી રાખી દીધી હતી ત્યારબાદ તેમનો પુત્ર દેવેન્દ્ર કારમાંથી ઉતરીને આ કાર પાસે પહોંચ્યો હતો જ્યાં તેમાં સવાર શખ્સ સાથે વાતચીત કરી રહ્યો હતો અને તે દરમિયાન તેણે લાફો મારી દીધો હતો ત્યારબાદ તે પરત ફર્યો ત્યારે કારમાં સવારે બંને શખ્સો પાછા આવ્યા હતા અને તેમની સાથે ઝઘડો કરીને વૃદ્ધ વિષ્ણુભાઈ અને તેમની પત્નીને પણ લાફા મારી દીધા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. જેના પગલે આ શખ્સો આગળ આવો તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી કાર લઈને નાસી છૂટયા હતા. હાલ તો આ મામલે પેથાપુર પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.
Recent Comments