fbpx
ગુજરાત

ગાંધીનગરના કોબા ગામમાં આર્યન બંગ્લોઝમાં બંધ મકાનનું તાળું તોડીને .૮.૨૭ લાખની ચોરી કરી

પાટનગર ગાંધીનગર શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન તસ્કરો સક્રિય થઈ ગયા છે ત્યારે કોબામાં આવેલા આર્યન બંગ્લોઝમાં બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૮.૨૭ લાખની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે. હાલ દિવાળીના પર્વ પૂરા થયા બાદ ધીરે ધીરે ઠંડીની મોસમ પણ રાત્રિના સમયે શરૃ થઈ ગઈ છે.

આ સ્થિતિમાં તસ્કરો પણ ગાંધીનગરમાં સક્રિય થઈ ગયા છે. હાલ વેકેશનનો માહોલ હોવાથી મકાનો બંધ હોય છે ત્યારે તસ્કરો તેને નિશાન બનાવવા માટે મેદાનમાં આવી ચૂક્યા છે. ગાંધીનગર શહેર નજીક આવેલા કોબાના આર્યન બંગ્લોઝમાં ચોરીની ઘટના બનવા પામી છે. જે સંદર્ભે મળતી વિગતો પ્રમાણે અહીં બંગલા નંબર ૧૩માં રહેતા અને મેરીટાઇમ બોર્ડમાં કામ કરતા યોગેશકુમાર મોહનભાઈ સોલંકી તેમનું મકાન બંધ કરીને ગત ૨૯ તારીખે પરિવાર સાથે અમદાવાદ ખાતે રહેતા તેમના નાનાભાઈના ઘરે ગયા હતા અને ત્યાંથી તેમના અન્ય સંબંધીના ઘરે ગયા હતા.

તે દરમિયાન આજે સવારના સમયે સોસાયટીના અરવિંદસિંહે તેમને ફોન કરીને કહ્યું હતું કે, તમારા ઘરનું તાળું તૂટયું છે અને ચોરી થયાનું લાગી રહ્યુ છે. જેથી યોગેશભાઈ તુરંત જ તેમના ઘરે દોડી આવ્યા હતા અને ઘરમાં તપાસ કરતા સામાન વેરવિખેર હાલતમાં હતો અને ઘરમાંથી રોકડ ૧.૨૦ લાખ ઉપરાંત સોના ચાંદીના દાગીના મળીને કુલ ૮.૨૭ લાખ રૃપિયાની ચોરીની ઘટના બનવા પામી હતી. ત્યારબાદ સોસાયટીમાં રહેલા સીસીટીવી ફૂટેજ ચકાસતા ગત રાત્રીના બેથી અઢી વાગ્યા દરમ્યાન ત્રણેક જેટલા શખ્સો દિવાલ કૂદીને સોસાયટીમાં આવતા જણાયા હતા. જેથી હાલ આ સંદર્ભે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા તસ્કરોને શોધવા માટે દોડધામ શરૃ કરી છે.

Follow Me:

Related Posts