ગાંધીનગરના ઘ-૫ ચોપાટી બજાર વિસ્તારમાં ચોરી કરતાં પકડાયેલા ચાર કિશોર પૈકી ત્રણ ભાગી ગયા, પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ગાંધીનગરના ઘ – ૫ ચોપાટી બજારમાં ખાવાની શોધમાં નીકળેલા બે સગા ભાઈઓ સહિત ત્રણ કિશોર ગુમ થઈ જતાં સેકટર – ૨૧ પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં ચારેય કિશોરોને કેબલ વાયરોની ચોરી કરતાં જીપીસીબીનાં કર્મચારીએ પકડયા હતા. જેમાંથી ત્રણ કિશોર ડરના માર્યા ભાગી હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરના સેકટર – ૧૬ ખાણીપીણી બજાર પાસેના છાપરાંમાં રહેતી કૌશલબેન બાવરીએ ફરિયાદ નોંધાવી હતી કે, પોતે છૂટક મજૂરી કામ કરે છે.
જેને ચાર સંતાનો છે ગત તા. ૧૯ મી ફેબ્રુઆરીનાં રોજ બપોરના સમયે તેનાં ૧૩ અને ૧૧ વર્ષના દીકરાઓ પાડોશના છાપરામાં રહેતા રૂપાબેન બાવરીનાં દસ વર્ષના દીકરા સાથે રમતાં હતાં. બાદમાં ઘ – ૫ ચોપાટી બજારમાં ફરવા જવાનું કહીને ત્રણેય ઘરેથી નિકળ્યા હતા. જેઓ અંધારું થવા છતાં ઘરે પરત ફર્યા ન હતા. આથી બંને દીકરા ચોપાટી બજારમાં અવારનવારની જેમ ખાવાનું માંગીને પરત આવી જશે એમ માનીને કૌશલબેને બહુ ધ્યાન આપ્યું ન હતું. જાે કે મોડી રાત સુધી બંને દીકરા પરત નહીં આવતાં કૌશલબેને પાડોશના છાપરામાં તપાસ કરી હતી.
ત્યારે જાણવા મળેલું કે રૂપાબેનનો દીકરો પણ ઘરે પાછો ફર્યો નથી. આથી કૌશલબેને પોરબંદરમાં બીજી પત્ની સાથે રહેતાં પતિને ફોન કરીને પૂછપરછ કરી હતી. પણ ત્યાં પણ બાળકો નહીં ગયાનું જાણવા મળ્યું હતું. આમ બધે શોધખોળ કરવા છતાં તેમનો ક્યાંય પત્તો નહીં મળતાં સેકટર – ૨૧ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પીઆઈ પરેશકુમાર ખાંભલાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં ચાર કિશોર અત્રેના વિસ્તારમાં કેબલ વાયરોની ચોરી કરતાં જીપીસીબીનાં કર્મચારીએ પકડયા હતા. જે પૈકીના ત્રણ કિશોર ડરના માર્યા ભાગી ગયા હોવાનું બહાર આવ્યું છે. આમ કાયદાની રૂહે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ ચાલી રહી છે.
Recent Comments